૨જી એપ્રિલ, ૨૦૧૭ રવિવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું રાજકોટ ખાતે વિચરણ હતું. સવારે ૬:૩૦ વાગે ગુરુવર્ય પ.પૂ. બાપજી ધ્યાન-પૂજા વગેરે પૂર્ણ થયા બાદ અલ્પાહાર કરતા હતા. તે દરમ્યાન રાજકોટનાં સ્થાનિક પૂ. સંતો દર્શન કરવા માટે પધાર્યા.

     અલ્પાહાર જમાડતાં પૂ. સંતો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજકોટના સત્સંગ તેમજ હરિભક્ત સમાજની સત્સંગની દ્રઢતા અંગે જણાવી રહ્યા હતા.

     ત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને શીખ આપતા કહ્યું, “સંતો ! આપણે સત્સંગ માટે ખૂબ ફરવું ને બધાયને સત્સંગ કરાવવો, આ મળેલા મહારાજનું સવરૂપ ઓળખાવવું. જો બિચારા જીવને મહારાજનું સ્વરૂપ ઓળખાઈ જાય તો એના જન્મમરણનાં ફેર બંધ થઇ જાય અને છેલ્લો જન્મ થઇ જાય, આત્યંતિક કલ્યાણ થઇ જાય. એના માટે જ મહારાજ તમને અને અમને બધાયને લાવ્યા છે. માટે ક્યારેય નવરા બેસી ન રહેવું. જો નવરા બેસી રહીએ તો મહારાજ આપણી ઉપર રાજી ન થાય. મહારાજની સંતોને આજ્ઞા છે કે, ‘હે સંતો ! મુઠ્ઠી અનાજ જમી શકો એટલી પણ તમારામાં શક્તિ હોય ત્યાં સુધી બેસી ન રહેતા, ખૂબ સત્સંગ કરાવજો.’ માટે આપણે ખૂબ વિચરણ કરવું, ખૂબ ફરવું ને બધાય જીવોને સત્સંગ કરાવવો તો મહારાજનો કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવાનો સંકલ્પ પૂરો થાય.”