• પ્રાગટ્ય : સંવત ૧૯૮૯, ફાગણ વદ એકમ
 • પ્રાગટ્ય સ્થળ : ગામ - વાસણ, તાલુકો-વિરમગામ, જિલ્લો - અમદાવાદ
 • પ્રાગટ્યના આશીર્વાદ : શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય આશીર્વાદથી જ તેઓનું પ્રાગટ્ય થયું છે.
 • પૂર્વાશ્રમનું નામ : દેવુભાઈ
 • માતાનું નામ : ધોળીબા
 • પિતાનું નામ : જેઠાભાઈ
 • ભાઈનું નામ : રતિભાઈ
 • ગુરુનું નામ : જ્ઞાનગુરુ - અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)
 • સંત દીક્ષા : સંવત ૨૦૧૨, અષાઢ વદ એકાદશી, સન ૧૯૫૬, ૩ ઑગસ્ટના રોજ તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી. સંત દીક્ષા
 • પ્રસિદ્ધિ : વચનામૃતના આચાર્ય, બાપજી, સિદ્ધાંતવાદી પુરુષ, ક્રાંતિકારી સત્પુરુષ
 • સંસ્થાપક : તેઓએ ‘સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા’ (SMVS)ની સ્થાપના ઈ.સ. ૧૯૮૭માં કરી. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનની નૂતન કેડી કંડારી.
 • શિષ્યગણ : ૨૦૦ કરતાં પણ વધુ ત્યાગી સંતો તથા ત્યાગી મહિલામુક્તો અને લાખો હરિભક્તોનો સમાજ
 • કરેલાં મહત્ત્વનાં કાર્યો :
  • તેઓએ શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરોની રચના કરી તેમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તો પધરાવ્યા છે.
  • તેઓએ સંપ્રદાયની પ્રથાનાં બંધનોમાંથી નિર્બંધ બની ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલા કારણ સત્સંગના સનાતન સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા.
  • તેઓએ વિશાળ વર્તનશીલ સંતસમુદાય અને હરિભક્ત સમુદાયની રચના કરી છે.
  • તેઓએ વચનામૃતમાં તથા ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’માં ગૂંથાયેલાં ગૂઢાર્થ તથા રહસ્યોને જેમ છે તેમ યથાર્થ સમજાવ્યા.
  • તેઓએ માત્ર ૩૦ વર્ષના ટૂંકાગાળામાં ૫૦ કરતાં પણ વધુ મંદિરોની રચના તથા ૧૨૫ કરતાં પણ વધુ નૂતન મંદિરોના સેવાકાર્ય માટેનાં સ્થાનોનું નિર્માણ કર્યું છે.
  • તેઓએ ૩૨ કરતાં પણ વધુ નાની-મોટી સમાજસેવાઓ તથા આ સેવા માટે ૫,૦૦૦ કરતાં પણ વધુ હરિભક્તોનાં સ્વયંસેવકદળની રચના કરી છે.
  • તેઓએ ભારત, અમેરિકા, કૅનેડા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કુવૈત, દુબઈ, કેન્યા, યુગાન્ડા આદિ ૧૦ કરતાં પણ વધુ દેશોમાં સત્સંગ પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો છે.
  • તેઓએ પોતાની હયાતીમાં જ પોતાના અનુગામી સત્પુરુષ તરીકે ‘વ્હાલા પ.પૂ . સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી’ની નિમણૂક કરી તેઓનો મહિમા સમજાવ્યો.
  • અનંત વર્ષો સુધી પોતે સ્થાપેલ SMVS સંસ્થાના સિદ્ધાંતો અને ધારા-ધોરણો કોઈ બદલી ન શકે તે માટે સંસ્થા બંધારણની રચના કરી તથા સંતોમાં પણ પોતે જે સાધુતા દૃઢ કરાવી છે તથા રીતિ-નીતિ આપી છે. તેમાં ફેરફાર ન થાય તે માટે સંત બંધારણની રચના કરી અને તેનો અમલ કરાવ્યો.
 • ગ્રંથ રચના : કારણ સત્સંગના સિદ્ધાંતોને સ્પષ્ટપણે સમજાવતો ‘સ્વરૂપનિષ્ઠા’ ગ્રંથ તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી રચાયો.
 • અનુગામી : પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી)

ટૂંક પરિચય :

સંવત ૧૯૭૯માં ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી અને આશીર્વાદથી જેમનું પ્રાગટ્ય થયું હતું એવા શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી મૂળીથી ખાખરિયાનાં ગામોમાં વિચરણ કરી અમદાવાદ પધાર્યા. નળકંઠા વિસ્તારના હરિભક્તોની પ્રાર્થનાથી વશ થઈ બાપાશ્રી વાંસવા ગામે બાઈઓના મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા માટે પધાર્યા. ત્યાં વાસણ ગામના જેઠાભાઈ ઠક્કરની આજીજી સ્વીકારી બાપાશ્રી વાસણ ગામે પધરામણી માટે પધાર્યા. જેઠાભાઈને સેવક (પુત્ર) પ્રાપ્ત થાય એવી હરિભક્તોની પ્રાર્થના સાંભળી બાપાશ્રીએ આશીર્વાદ આપ્યા કે, “જાવ, મહારાજ એક નહિ બે સેવક આપશે. પણ એમાં ‘આધા તુમ્હારા, આધા હમારા’.” બાપાશ્રીના આશીર્વાદ મુજબ પ્રાગટ્ય સંવત ૧૯૮૯ના ફાગણ વદ-૧ (૧૩ માર્ચ, સન ૧૯૩૩)ના રોજ પ્રાગટ્ય થયું ‘આધા હમારા’ એટલે દેવુભાઈનું (ગુરુદેવ પ.પૂ. બાપજીનું). ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ મુજબ તેઓનું અલૌકિક વ્યક્તિત્વ બાલ્યાવસ્થાથી જ જણાઈ આવતું. બાલ્યાવસ્થાથી જ ધીર-ગંભીર, શાંત, સુંદરતા, આનંદી, સંસાર પ્રત્યે અસારતા, તપ, ત્યાગ, વૈરાગ્ય અને ભજનભક્તિમય જીવન, ભગવાન અને સંતોમાં હેત - આ બધા ગુણોથી તેઓ અન્ય બાળકો કરતાં સાવ જુદા જ તરી આવતા. બાલ્યાવસ્થામાંથી હવે તેઓ તરુણ અવસ્થાએ પહોંચ્યા અને સદ્‌. મુનિસ્વામીનો ભેટો થયો. તેઓની સાથે અપ્રતિમ પ્રીતિ અને આત્મબુધ્ધિ કરી અતિશય રાજીપો પ્રાપ્ત કર્યો તથા ગુરુની આજ્ઞા થતાં જે હેતુ માટે ભગવાન સ્વામિનારાયણ લાવ્યા હતા તે હેતુને સિધ્ધ કરવા દેવુભાઈએ સંવત ૨૦૧૨ (સન ૧૯૫૬)માં ત્યાગાશ્રમ સ્વીકારી સાધુ દેવનંદનદાસ એવું નામ ધારણ કરી સદ્‌. ગોપાળાનંદ સ્વામીની પેઢીના ખરા વારસદાર બની રહ્યા.

ત્યાગાશ્રમ સ્વીકાર્યા બાદ સદ્‌. મુનિસ્વામીએ તેઓને કહ્યું કે, “તમે થોડા વહેલા આવ્યા હોત તો તમને પગલાં-પદાર્થ જે કાંઈ હતું તે આપી શક્યો હોત. હવે તેમાંનું કશું જ નથી.” ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “દયાળુ, મારે એમાંનું કશું જ જોઈતું નથી. મને તો તમારા સિદ્ધાંતનો વારસો આપો.” આટલું સાંભળી સદ્‌. મુનિબાપા અત્યંત રાજી થઈ ગયા અને પોતાના સિદ્ધાંતનો વારસો આપી કારણ સત્સંગની અમીરપેઢીના અમીર વારસદાર બનાવી દીધા.

સદ્‌. મુનિબાપાની પ્રસન્નતા અને તેઓની સર્વોપરી ઉપાસના અને સિદ્ધાંતોના પ્રવર્તનની અજોડ નેમ કે જેણે વિરોધોના વંટોળો વચ્ચે પણ દિગ્વિજયના ગગનભેદી નાદ ફૂંક્યા. અપમાન, તિરસ્કાર, નાણા, માણા અને પાણાની અછત, જોડમાં સાધુની અછત, ધાક-ધમકી અને દબાવ - આ બધી કાંટાળી કેડીઓ ઉપર એકમાત્ર શ્રીજીમહારાજના બળથી ને કર્તાપણાથી તેઓશ્રી હસતે મુખે ચાલ્યા. વળી પોતાના ઉત્તમ શિષ્ય પ.પૂ. સ્વામીશ્રી (પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી)ની ઉત્તમ ભેટ મળતાં તેઓ સંપ્રદાયની પ્રથાનાં બંધનોમાંથી નિર્બંધ થયા. સન ૧૯૮૭માં શુદ્ધ ઉપાસનાયુક્ત ગગનચુંબી શિખરબદ્ધ મંદિરની તેઓશ્રીએ સૌપ્રથમ વાસણા, અમદાવાદ ખાતે રચના કરી અને સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (એસ.એમ.વી.એસ.)નો ઉદય કર્યો.

ત્યારબાદ પોતે જે સર્વોપરી કાર્ય કરવા પધાર્યા હતા તેનાં દ્વાર ખુલ્લાં મૂક્યાં અને શરદપૂર્ણિમાનો ચંદ્ર જેમ સોળે કળાએ ખીલે તેમ શ્રીજીમહારાજનો સંકલ્પ પણ સોળે કળાએ ખીલ્યો. તેઓશ્રીએ શ્રીજીસંમત સનાતન, સર્વોપરી અને વાસ્તવિક સિદ્ધાંતો તથા ઉપાસના જે જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવ્યાં તેને છડેચોક પ્રવર્તાવ્યાં. વળી, એકમાત્ર મહારાજ અને મુક્તોની જ મંદિરોના સિંહાસનમાં પ્રતિષ્ઠા કરી શુદ્ધ અજોડ ઉપાસનાયુક્ત મંદિરોની રચના કરી, સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસનાની ક્રાંતિ આણી. શાસ્ત્રોમાં રહેલા પરોક્ષાર્થનાં વચનોને ગૌણ કરી સ્વમુખવાણી વચનામૃતના જ શબ્દે શબ્દની વાસ્તવિક સમજૂતી આપી શુદ્ધ સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિ દૃઢ કરાવી. એથી જ તેઓશ્રી સમગ્ર સંપ્રદાયમાં ‘વચનામૃતના આચાર્ય’ તરીકે વિખ્યાતિ પામ્યા છે. તેઓશ્રીએ વર્તનશીલ અને દિવ્યજીવન જીવતા તથા ધર્મનિયમમાં સુદૃઢ એવા બહોળા સંત સમાજ તથા હરિભક્ત સમાજની રચના કરી છે. આ ઉપરાંત, સમગ્ર સમાજમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં સિદ્ધાંતો તથા સનાતન મૂલ્યો દૃઢ થાય અને ભારતીય પ્રણાલિકા તથા ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતી ‘સ્વામિનારાયણ દિગ્વિજય મંડળ’ પ્રવૃત્તિનો પ્રારંભ પણ તેઓશ્રીની જ દિવ્ય પ્રેરણાથી થયો છે. વળી, તેઓશ્રીની જ દિવ્ય પ્રેરણાથી સમાજઉત્થાન માટે ગુરુકુલો તથા શૈક્ષણિક સંકુલોની સેવા, આરોગ્ય સેવા, રાહત સેવાકાર્યો, આદિવાસી ઉત્કર્ષ સેવાપ્રવૃત્તિ અને મહિલા ઉત્કર્ષ સેવાપ્રવૃત્તિઓ કાર્યરત છે. ગુરુદેવ પ.પૂ. બાપજીના ‘કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાના’ દિવ્ય સંકલ્પ અનુસાર દેશ-પરદેશમાં ઠેર ઠેર કારણ સત્સંગ ઝડપભેર વિસ્તરી રહ્યો છે.