મારી ભૂલને માફ કરો
“સાહેબ, મેં ‘નો પાર્કિંગ’ બોર્ડ વાંચ્યા વગર તે જગ્યાએ જ સાઇકલ મૂકી હતી માટે મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. હાલ મારી પાસે ૧૦ રૂપિયા છે તમે સાઇકલ આપશો તો હું બીજા ૯૦ રૂપિયા લાવી દંડ ભરી દઉં.”
વાત એમ હતી કે ગુરુજી જ્યારે પૂર્વાશ્રમમાં બિરાજતા ત્યારે એક દિવસ કોઈક કામ અર્થે અમદાવાદ લાલ દરવાજા પધાર્યા. ત્યાં એક ત્રિકોણ ખાલી જગ્યામાં ઘણી સાઇકલો પાર્ક કરેલી. ત્યાં સાઇકલ પાર્ક કરી દીધી પરંતુ ત્યાં ‘નો પાર્કિંગ’નું બોર્ડ હતું. તે ઘનશ્યામભાઈના ધ્યાનમાં ન આવ્યું તેથી સાઇકલ પાર્ક કરી ઘનશ્યામભાઈ આગળ ચાલ્યા ત્યાં પાછળથી ટ્રાફિક પોલીસની ગાડી સાઇકલોને લઈ ગઈ.
કામ પૂર્ણ કરી પાછા ફર્યા તો ત્યાં સાઇકલ ન હતી. ઘનશ્યામભાઈના ધ્યાનમાં ‘નો પાર્કિંગ’નું બોર્ડ આવ્યું. પછી સીધા પોલીસ સ્ટેશને ગયા. અન્ય યુવકો તો સાઇકલ છોડાવવા દંડ ન ભરવો પડે તે માટે ખોટા બહાના તથા બનાવટ કરતા હતા. જ્યારે ઘનશ્યામભાઈએ તો ઉપરોક્ત સત્ય હકીકત જણાવી દીધી.
પોલીસ ખુશ થઈ ગઈ અને માત્ર ૧૦ રૂપિયાનો દંડ લઈ સાઇકલ પાછી આપી દીધી. જ્યારે બીજા યુવકો પાસેથી પૂરા ૧૦૦ રૂપિયાનો દંડ લીધો. આમ, બાળપણથી જ ગુરુજીના જીવનમાં સત્યપાલનનો અતિશે આગ્રહ પડઘાતો આવ્યો છે.