એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. આજે કસૂંબો બંધ.”

મહારાજે થોડી વાર ત્યાં બેસી દારૂ-અફીણના નિષેધની વાત કરી ઘઉંના ટોઠા (બાફેલા આખા દાણા) ભેટ આપ્યા. અને સૌને કહ્યું, “જીવને અને દેહને પુષ્ટ કરે એવા ઘઉં ખાવાનું મૂકીને અફીણના બંધાણમાં શું બંધાયા છો ? નામર્દ હોય તે આવા વ્યસનમાં બંધાય.” શ્રીહરિનો ઉપદેશ તેમને જીવ સટોસટ ઊતરી ગયો ને હંમેશને માટે અફીણ છોડી દીધું.

આમ, શ્રીહરિનો સૌને નિર્વ્યસની કરવાનો આગ્રહ ખરેખર પ્રભાવશાળી છે !!