‘જોજો હો, મહારાજની સેવામાં જરીયે કસર ન રાખતા, એ માગે તોય ઘરનો રોટલો ન આપતા. અમે હમણાં ગામમાંથી ભિક્ષા માગી લાવીને રસોઈ કરી આપીશું.’

શ્રીહરિ અગણોતેરા કાળમાં મેથાણ દેવજી અને કૃષ્ણજીના ઘરે પધાર્યા ત્યારે બંને ભાઈઓએ પોતાના ધર્મપત્નીને ઉપરોક્ત ભલામણ કરી. બંને ભાઈઓ બહાર ગયા કે તરત શ્રીહરિએ સ્નાન કરી કહ્યું, “બહેન અમે ભૂખ લાગી છે તે કાંઈ જમવાનું હોય તો લાવો.” “અરે મહારાજ ! જમવાનું તો ઘરમાં કાંઈ નથી પણ તમારા ભક્તો હમણા ભીક્ષા માગી લાવી, જાતે રસોઈ બનાવી તમને જમાડશે.” બાઈ બોલ્યા, “ગૃહસ્થના ઘરમાં કાંઈક તો પડ્યું જ હોય. તમારા શીકામાં રોટલો ઢાંક્યો છે તે સાથે મરચાંનું અથાણું છે તે આપો.” શ્રીહરિએ અંતર્યામીપણે જમવાનું માંગ્યું.

બંને મહિલાઓને શ્રીહરિનું અંતર્યામીપણું જોઈ ખૂબ અહોભાવ થયો. તેથી તરત ઉપર શીકામાંથી રોટલો ને અથાણું કાઢી જમવા આપ્યાં. થોડીવારમાં દેવજી અને કૃષ્ણજી ભીક્ષા માગીને ઘરે આવ્યા ત્યારે શ્રીહરિને ટાઢો રોટલો જમતા જોઈ પોતાના ધર્મપત્નીને કહ્યું, “અમે ના નો’તી કહી તોપણ કેમ ટાઢો રોટલો આપ્યો ?” ત્યાં તો મહારાજ બોલ્યા, “તમારા ઘરના સભ્યો તો બહુ ડાહ્યા છે, એમણે તો અમનો નહોતું આપ્યું પણ અમે સામેથી માંગ્યું. જો તેઓ અમને ન આપત તો અમે શીકે આંબી જાત.”

આમ, શ્રીહરિએ પરિવારમાં એકબીજાને અનુકૂળ ને અનુરૂપ થવાની રીતિ ને નીતિ સ્વવર્તન દ્વારા શીખવી.