સ્વામી, આજે બેસતું વર્ષ છે
તા. ૪-૧૧-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બેસતા વર્ષના દિને એસ.એમ.વી.એસ.ના જુદા જુદા મંદિરમાં અન્નકૂટ આરતીનો લાભ આપવા પધારવાના હતા.
સૌપ્રથમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે મંગળા આરતીનો લાભ આપવા પધાર્યા. આરતીની દિવેટ પ્રગટાવતા પહેલાં એસ.ટી.કે. સંભાળનાર સંતને ભલામણ કરતાં તેઓએ કહ્યું કે, “સ્વામી, આજે બેસતું વર્ષ છે. આનંદનો દિવસ છે. જગતના કિશોરો તો આજના દિવસે ખૂબ આનંદ-કિલ્લોલ કરે, હરે-ફરે પરંતુ આપણા એસ.ટી.કે.ના મુક્તો ક્યાંય બહાર દર્શન માટે પધાર્યા નથી. તો સૌ મુક્તોને આજે અમદાવાદના તમામ મંદિરે અન્નકૂટનાં દર્શન કરવા લઈ જજો. અને સેક્ટર-૬ના મંદિરે પણ લઈ જજો.” એમ કહી આરતી પૂર્ણ કરી રાજકોટ જવા માટે પધાર્યા. ત્યારે ફરીથી ગાડીમાં બેસતા પહેલાં કહ્યું, “સ્વામી, આ અમદાવાદના દરેક સેન્ટરમાં મુક્તોને આજે દર્શન માટેની વ્યવસ્થા કરવાનું ભૂલતા નહીં.”
બાળક હોય કે કિશોર, યુવાન હોય કે વડીલ પરંતુ દરેકના માનસને કળવાની અદ્ભુત સામર્થી ધરાવનાર આ દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન..!