“પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ;

એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ.”

તા. ૯-૬-૨૦૧૩ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું પંચમહાલના ગામડામાં પધરામણીનું આયોજન ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સાથે પૂ. સંતો અને એસ.ટી.કે.ના બે-ત્રણ મુક્તોને પણ લાભ મળેલો.

જે ગામમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પધરામણી હતી તે આખું ગામ જાણે આનંદના હિલોળે ચડ્યું હતું. સૌના હૃદયમાં આનંદ સમાતો નહોતો. અંતરમાં એક જ ઉમળકો હતો કે આ દિવ્યપુરુષની પધરામણી મારા ઘરે હોય જ ક્યાંથી ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પણ સૌ હરિભક્તોના ઘરે પધારી સૌના મનોરથો પૂરા કર્યા.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ત્યાંથી પરત પધારવાનો સમય થયો એટલે સાથે આવેલા સમર્પિત મુક્તે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને બિરાજમાન થવા માટે ગાડીનો દરવાજો ખોલ્યો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગાડીમાં બિરાજમાન થવાને બદલે સાથે આવેલા સેવક સંતને બેસવા માટે દરવાજો ખોલી આપ્યો ને ગાડીમાં બેસવા કહ્યું. કારણ કે સેવક સંતના હાથમાં હરિકૃષ્ણ મહારાજ હતા.

હરિકૃષ્ણ મહારાજ ગાડીમાં બિરાજમાન થયા પછી જ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગાડીમાં બિરાજ્યા કેવું અપાર દાસત્વપણું !

મોટાપુરુષની આ લીલાનાં દર્શન કરતાં સૌને સહેજે જ પ્રતીતિ થાય કે એમને મહારાજનું કેટલું મુખ્યપણું છે. એમની આગળ પોતે કેવા દાસ થઈને વર્તે છે. એમની આ રીતિ જ એમના અનાદિમુક્ત તરીકેના પદનું પ્રતિપાદન કરે છે.