ઈ.સ. 2013ની સાલ હતી.

સ્વામિનારાયણ ધામ ગાર્ડનમાં AVP કેમ્પમાં સંતો-હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રસંગોનું મહિમાગાન કરી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ બિરાજ્યા હતા. એક પછી એક વડીલ સંતો-હરિભક્તો પ્રસંગનું વર્ણન કરી રહ્યા હતા.  પૂ. નિર્માનસ્વામીએ હાથમાં માઇક લીધું અને ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રસંગોનું મહિમાગાન કરવા લાગ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રસંગ બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના પ્રસંગોનું મહિમાગાન કરવા લાગ્યા. નિર્માનીપણાના સાક્ષાત્ સ્વરૂપ એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને આ રુચ્યું નહીં. એટલે તરત જ કહ્યું,

“આ વાત બંધ કરો. અત્યારે બાપજીના મહિમાનું ગાન ચાલી રહ્યું છે.”

“હા સ્વામી, રાજી રહેજો. પણ આ અધૂરી વાત પૂરી કરી લેવા દો ને.”

આટલું સાંભળતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉભા થઈ ગયા.

“તો પછી અમે જઈએ.”

“સ્વામી, આપ બિરાજો અમે હવે આ વાત આગળ નહિ વધારીએ.” પૂ.સંતોએ પ્રાર્થના કરી.

“સંતો, બાપજી આપણા ગુરુસ્થાને છે. એમનો જ મહિમા ગાઈએ તે શ્રેષ્ઠ છે. એમાં બધાનો મહિમા આવી જાય.”

આહાહા ! ગુરુમહિમામાં ડૂબેલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુદેવ પ.પૂ. બાપજીની ગરિમાને જરીએ ખંડિત નથી થવા દીધી. સદાકાળ ગુરુ મહાત્મ્યમાં ડૂબીને ગુરુમાં પોતાના અસ્તિત્વનો પ્રલય કરવાની કેવી અદ્ભુત દિવ્ય રીત.