‘અરેરે...! ઘણો વખત વીતી ગયો. શ્રીજીમહારાજનાં દર્શન થયાં નથી. શ્રીજીમહારાજ અત્યારે ક્યાં હશે ? આ કઠલાલ ગામમાં રહી હું એકલી-અટૂલી સત્સંગી. મને શ્રીજીમહારાજ આવ્યાના સમાચાર કોણ આપે !’ કઠલાલ ગામનાં રામબાઈ પાદરેથી પાણીનું બેડું ભરીને આવતાં હતાં ત્યારે રસ્તામાં સંકલ્પોની હારમાળા ચાલતી હતી.

તેઓ ઘરના આંગણમાં પહોંચ્યાં અને શ્રીજીમહારાજના ઘોડાના ડાબલા તેમને સંભળાયા. આશ્ચર્યવત્ થઈ માથા ઉપરના બેડાંને બે હાથે મજબૂત પકડી પાછળ જોયું ત્યાં તો મહારાજ ઘોડા ઉપર !!

“મહાપ્રભુ ! તમે અટાણે ?”

“હા રામબાઈ ! અમે. તમે અમને સંભારતા હતા ને ! તમારા મનમાં થતું હતું ને કે શ્રીજીમહારાજ ક્યાં હશે ? પણ અમે તો અમારા ભક્તો માટે બધે જ છીએ. એ અમને સંભારે અને અમે હાજર થઈએ. તમારા અંતરનો અવાજ અમારા કાન સુધી પહોંચી ગયો.”

આમ, ભક્ત સંભારે ત્યારે શ્રીહરિ હંમેશાં તેમને માટે હાજરાહજૂર જ હોય.