ભાલ દેશમાં બરવાળા ગામ છે. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તે મંદિર માટીથી લિપાવવું હતું.

હરિભક્તોએ મંદિર લિપાવવા એક મહિલાને પૈસા આપીને કામ કરાવ્યું. આ મહિલાએ બહુ સ્નેહથી ભગવાનના મંદિરને માટીથી સારી રીતે લીપી દીધું.

શ્રીજીમહારાજ સેવાથી ખૂબ રાજી થયા અને મહિલાને અંતકાળે દર્શન દીધાં અને કહ્યું કે, “હે બાઈ ! અમારા ધામમાં ચાલો.” ત્યારે બાઈ બોલ્યાં કે, “હે શ્રી સ્વામિનારાયણ, હું તમારી સત્સંગી નથી. તમારું ભજન પણ મેં કર્યું નથી.”

 “તમે અમારા મંદિરને લીપવાનું કામ કર્યું છે તે સેવાથી અમે રાજી થયા છીએ. માટે ચાલો અમારા ધામમાં.” શ્રીજીમહારાજે કહ્યું.

હાથ જોડીને બાઈએ કહ્યું કે, “દયાળુ, મેં મફત લીપ્યું નથી પણ મજૂરી લઈને લીપ્યું છે, માટે તમારી જેમ મરજી હોય તેમ કરો.” શ્રીજીમહારાજે તેમના સેવાભાવથી રાજી થઈને પોતાના ધામની પ્રાપ્તિ કરાવી.

આમ, શ્રીજીમહારાજ ભાવના ભૂખ્યા છે.