તા. ૧૨-૧૧-૨૦૨૨ના રોજ ગાંધીનગર, સે-૬ ખાતે હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની પધરામણી હતી.

પુનિતભાઈ પટેલના ગૃહે પધરામણી અર્થે ગુરુજી પધાર્યા હતા. ત્યારે ગુરુજીને રાજી કરવા પુનિતભાઈના નાના બાળમુક્ત ધૈર્ય મહારાજે સ્ટિકીનોટમાં પ્રાર્થનાપત્રો લખ્યા હતા; જે ગુરુજીને અર્પણ કર્યા.

તે જ સમયે ગુરુજીએ તે પ્રાર્થનાપત્રનું વાંચન કર્યું અને પૂછ્યું, “મુક્તરાજ, આ તમારા અક્ષર છે ?”

“હા દયાળુ.”                

એ જ સમયે ગુરુજી ભાવપૂર્ણ સ્ટિકીનોટના અક્ષરોને હસ્તથી સ્પર્શ કરી નેત્ર પર લગાવ્યા.

સામાન્યત: આપણે સૌ મહારાજ, મોટાપુરુષ કે પૂ. સંતોના હસ્તાક્ષરને નમન કરી મસ્તક પર ચડાવીએ જ્યારે અહીં તો ગુરુજીએ પોતાના નાનકડા શિષ્ય સમાન બાળમુક્તના અક્ષરોને નમન કર્યું.

આ જોઈ ધૈર્ય મહારાજે ક્ષોભ અનુભવતાં ગુરુજીને પ્રાર્થના કરી, “દયાળુ, આપે સેવકે લખેલ પત્રો માટે આવું ન કરાય.”

ત્યારે પત્રો વાંચતાં ગુરુજીએ પૂછ્યું, “મુક્તરાજ, આ પત્રો કોણે લખ્યા છે ?”

“મહારાજે.”

એટલે ફરીથી તે પત્રોને નેત્ર પર લગાવતાં ગુરુજી બોલ્યા, “આ પત્રો મહારાજે જ લખ્યા છે તો મહારાજના હસ્તાક્ષરનાં દર્શન આવી રીતે જ કરાય.”

વાહ દયાળુ... આપ એક નાનકડા બાળમુક્તના હસ્તાક્ષરમાં પણ મહારાજના હસ્તાક્ષરનાં દર્શન કરવાની કેવી પરભાવી રીત શીખવો છો !!