સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને વિવેકી હતા.

તેમણે પૂછ્યું, “ક્યાંથી આવો છો ? શું કરો છો ? ઉતારા વગેરેનું...”

હરિભક્તની જોડે એમનો ૮ વર્ષનો બાળમુક્ત હતો. મોટેરા સંતે બાળકને નજીક બોલાવી માથે હસ્ત મૂકીને પ્રેમથી પૂછ્યું, “શું તારું નામ છે ?”

આ બાળક તો SMVSનો હતો. એટલે એણે પેલા સંતને કહ્યું, “દયાળુ, દેહનું નામ કહું કે આત્માનું કહું ?”

આ સાંભળી વડીલ સંતને આશ્ચર્ય થયું. આટલા નાના બાળકને આટલી નાની ઉંમરે દેહ ને આત્મા જુદા છે એવું જ્ઞાન ! 

તેઓ બાળક ઉપર ખૂબ રાજી થયા ને પછી કહ્યું, “બંનેનાં નામ કહે.”

બાળકે કહ્યું, “દેહનું નામ દેવ અને આત્માનું નામ અનાદિમુક્ત.”

વડીલ સંતે પૂછ્યું, “તારું ગામ કયું ?”

બાળકે ફરી એ જ વાત દોહરાવીને કહ્યું, “દેહનું ગામ અમદાવાદ છે અને આત્માનું ગામ મૂર્તિ છે અને સ્વામિનારાયણ ભગવાન મારાં (ચૈતન્યનાં) સાચાં માતાપિતા છે.” બાળકનું આવું પરભાવનું જ્ઞાન, તેની ખુમારી તથા રજમો જોઈને તે સંત બોલ્યા, “ધન્યવાદ છે તારા ગુરુ બાપજીને કે તને આ ઉંમરે આવું જ્ઞાન જીવમાં રેડી દીધું છે. તેમને અમારા જય સ્વામિનારાયણ કહેજો.”