“દયાળુ, અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?”

“જો સ્વામી મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામાં પાંચ-સાત હરિભક્તો જોડેથી થોડા પૈસા માગી લો તોય મૂળીનું ભાડું મળી જશે. અને એમ ન કરવું હોય તો હમણાં આરતી પછી પગથિયાં નીચે રૂમાલ પાથરીને બેસી જાવ. બધા પાંચિયું, દશિયું, પાવલી કે રૂપિયો નાખશે તોય તમારા ભાડાના પૈસા મળી જશે.”

ઉપરોક્ત વાર્તાલાપ ગુરુદેવ પ.પૂ. બાપજી અને એક સુખી હરિભક્ત વચ્ચેનો હતો. ગુરુદેવ પ.પૂ. બાપજીને વસંતપંચમીના સમૈયે સદ્. શ્વેતવૈકુંઠદાસજી સ્વામીનો લાભ લેવા મૂળી જવું હતું તેથી બસના ભાડા માટે એક મોટેરા તથા સુખી હરિભક્તને વિનમ્રભાવે વાત કરી પરંતુ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીનું ઘોર અપમાન કર્યું. તેમ છતાં આંતર સમૃદ્ધિથી અમીર એવા ગુરુદેવ પ.પૂ. બાપજીને ભીખ માગવાનું કહેવા છતાં તેમના મુખારવિંદ પર આક્રોશની કોઈ રેખા ન ઊપસી.

અપમાનોની વરસતી ધોધમાર વર્ષાને પણ નિર્માનીપણે હસતા મુખે ગળી જનાર ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !!