ઈ.સ. 1996માં સૌપ્રથમ વખત ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પાંચ પૂ. સંતો અને સાત હરિભક્તો અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ એમ્બેસીમાં પધાર્યા.

વિઝા કાઉન્ટરમાં ઑફિસર તથા દુભાષિયા તરીકે મહિલાઓ હતાં. તેથી પૂ. સંતોએ કેબિનની બહાર આવી પ.ભ. શ્રી દીપકભાઈ જોષી સાથે કહેવડાવ્યું કે, “અમારા સંતો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય પાળે છે તેથી સ્ત્રીઓ સાથે પ્રત્યક્ષ વાત કરતા નથી. તેમના વતી અમે વાત કરીશું. આપને જે પૂછવું હોય તે પુછાવો.”

મહિલા ઑફિસરને સ્વમાન ઘવાયું હોય તેમ લાગ્યું તેથી હરિભક્તોને કહ્યું  “આજ સુધી કેટલાય સાધુ-સંતો અને મહાનુભાવો વિઝા લેવા આવે છે. તેઓ વાત કરે જ છે તો તમે કેમ ન બોલો ? જો નહિ બોલો તો વિઝા નહિ જ આપીએ.”

હરિભક્તોએ ગુરુદેવ પ.પૂ. બાપજીને ઉપરોક્ત બધી વાત કરી.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્પષ્ટ શબ્દોમાં ધરમભાઈને કહ્યું કે, “એમને કહી દો કે અમે વિદેશમાં ધર્મનો પ્રચાર કરવા જઈએ છીએ. ધર્મ લોપીને ધર્મનો પ્રચાર અમારે કરવો નથી.”

ગુરુદેવ પ.પૂ. બાપજીનો સ્પષ્ટ જવાબ સુણી મહિલા ઑફિસર આશ્ચર્યમુગ્ધ બની ગયાં, ‘નક્કી આ સાચા સંત છે. તેમને ધર્મની કેટલી દૃઢતા છે ! ધર્મના ભોગે વિઝાનો પણ અસ્વીકાર કર્યો...’ આમ મહારાજ, બાપાશ્રી ભેળા ભળ્યા અને મહિલા ઑફિસરે કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના બધા જ સંતોને વિઝા આપી દીધા.

‘અષ્ટ પ્રકારે અબળા કેરો ત્યાગ કરે તે ત્યાગી...’ આ પંક્તિના શબ્દો જેમના જીવનના હર એક પ્રસંગમાં સાકાર થયા છે તેવા ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !!