એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સોરઠ વિચરણ માટે પધાર્યા. જોડે એક ઉછીના સંત તથા હેતવાળા હરિભક્તો હતા.

તે સમયે વાહનોની પ્રતિકૂળતાને લીધે કેટલાક સ્થળે ચાલીને જવું પડતું.

એક વખત એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા.

ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાની પૂજા, ધોતિયાં, પત્તરની ઝોળી ઉપરાંત જોડના સંતનો બધો સામાન ઉપાડી ચાલતા હતા.

હરિભક્તોએ સામાન ઊંચકવા માગ્યો તોપણ કહ્યું કે, “તમે રસ્તામાં કોઈ સ્ત્રીઓને અડી જાવ તો અમારો સામાન અભડાય.”

પ્રભુ સ્મરણ કરતાં હરિભક્તો આગળ ચાલવા લાગ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે ખૂબ વજનને કારણે ધીરે ચાલતા હતા. આથી હરિભક્તો અને પોતાની વચ્ચે ઘણું અંતર વધી ગયું. ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઊંચી દૃષ્ટિ કરીને જોયું તો હરિભક્તો અને તેમની વચ્ચે પનિહારી બાઈઓ આવતી દેખાઈ. તેથી ગુરુદેવ પ.પૂ. બાપજી દોડીને બાજુના ઘરની દીવાલ તરફ મોં રાખી લપાઈ ગયા.

થોડી વારે હરિભક્તોએ પાછું વળીને જોયું અને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે દોડીને આવી પૂછ્યું, “શું થયું ? ઠેસ વાગી કે કાંઈ જીવજંતુ આવ્યું ? અહીં કેમ આમ ઊભા છો ?”

ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ ધર્મામૃતની સ્મૃતિ કરાવતાં કહ્યું :

“શ્રીજીમહારાજે સાચા ત્યાગી સાધુને ધર્મામૃતમાં આજ્ઞા કરી છે કે, ત્યાગી સાધુએ માર્ગમાં ચાલવું ત્યારે સ્ત્રી થકી પાંચ હાથ છેટે ચાલવું.”

“સ્વામી, મેં તો ધર્મામૃતની વાતો સાંભળી છે પણ એનું ચરિતાર્થ સ્વરૂપ તો આજે જ જોયું.” આટલું બોલતાં સાગરદાનભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીને વંદી રહ્યા.