કારણ સત્સંગની ઇમારતના પાયામાં ગુરુદેવનાં અપાર બલિદાનો સમાયેલાં છે. વર્ષો પૂર્વે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટા મંદિરેથી ઉછીના સાધુ લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા.

જોષીપુરા પહોંચી જોડેના સંતને કહ્યું, “સ્વામી, તમે થોડી વાર કીર્તન ગાવ એટલામાં હું બધી વ્યવસ્થા કરી દઉં.”

ગુરુદેવ પ.પૂ. બાપજી સભાની તથા ઉતારાની બધી વ્યવસ્થા કરી, દંડવત કરી આસને કથા કરવા માટે બિરાજી ગયા. પરંતુ સ્વામીએ કીર્તન ગાવાનાં ચાલુ જ રાખ્યાં.

અંતે થાકીને ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “સ્વામી, હવે કીર્તન રાખો અને કથા કરીએ.” એક-બે વાર કહ્યું પણ સંત કીર્તન બંધ ન કરે. અંતે હરિભક્તોએ સામેથી કહ્યું :

“સ્વામી, હવે કીર્તન રાખો, તો આ દેવસ્વામી કથા કરે.”

ત્યારે સંત આક્રોશ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીને બોલવા લાગ્યા, “તમને હું સારાં કીર્તન ગાઉં છું તેની ઈર્ષ્યા આવે છે. બધા હરિભક્તોને કીર્તન સાંભળવાં ગમે છે તે તમને ખમાતું નથી અને પાછા તમે હરિભક્તોને ચડાવો છો, એમની આગળ સારા થાવ છો.”

ગુરુદેવ પ.પૂ. બાપજીનું હ્દય આ શબ્દો સાંભળી જ ન શક્યા કારણ કે  તેમને પોતાના અપમાનનું દુ:ખ ન હતું પરંતુ હરિભક્તોને સંતને વિષે સંકલ્પ થાય, અભાવ આવે તો મહારાજને લાંછન લાગે તેનું દુ:ખ હતું

તેથી ગુરુદેવ પ.પૂ. બાપજીએ વિનમ્રભાવે કહ્યું, “સારું સ્વામી, તમે બહુ સારાં કીર્તન ગાવ છો. ચાલો ગવડાવો, આપણે ગાઈએ.”

એમ રાત્રે અગિયાર વાગ્યા સુધી કીર્તન ગવડાવ્યાં પણ સભા તો ન જ કરવા દીધી.

મનના ભીડાની પરાકાષ્ઠામાં પણ શ્રદ્ધા અને ધીરજ ધરનાર ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !!