ઈ.સ. 1975માં સાગરદાનભાઈ પોતાના મામાજી કવિ જબરદાનજીને ઘનશ્યામનગર મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા કહી દર્શન કરવા લઈ ગયા.

તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કથા કરી રહ્યા હોવાથી સભામાં બેઠા. વાતો સાંભળી ખૂબ અહોભાવ થયો અને શીઘ્રતાથી કાવ્ય બનાવી ગાયું...

“શ્રી દેવનંદનદાસજીના દિલમાં દિવ્ય મૂર્તિ દીસતી;

અવિરત ભજન-સ્મરણમાં વળગી રહી જેની વૃત્તિ.”

સ્પષ્ટવક્તા ગુરુદેવ પ.પૂ. બાપજીએ કાવ્ય સાંભળી માન-સન્માન ને વાહ વાહ કરી દેહાભિમાનની પુષ્ટિ તો ન કરી પરંતુ રોગ ટાળવાની દવારૂપી ટકોર કરી,

“કવિરાજ ! તમારા આ કાવ્યથી અમે રાજી થયા નથી. પણ તમારે જે તમાકુનું વ્યસન છે તેને છોડી દો તો અમે તમારા ઉપર ખૂબ રાજી થઈશું.” જબરદાનજી ખૂબ હોશિયાર તથા મુમુક્ષુ હતા. તેથી તેઓને ગુરુદેવ પ.પૂ. બાપજીનો ગુણ આવ્યો કે, ‘અત્યાર સુધી હું કેટકેટલાય સંતો પાસે ગયો. બધાએ તો મારી વાહ વાહ જ કરી. પણ કોઈએ કસર ઓળખાવી નહીં. જ્યારે આ સાચા સંત છે જેમણે મારા ચૈતન્યની ચિંતા કરી. ખરેખર સાચા સંત વિના સાચા સુખની વાત કોઈ ન કરી શકે.’