તા. 26-1-2022ના રોજ પૂ.સંતો સાથે ગુરુજી ઠાકોરજી જમાડતા હતા. તેઓ જમાડતાં જમાડતાં કથાનો લાભ આપતાં બોલ્યા : “સંતો, જમતી વખતે સત્સંગ કેમ કરીએ છીએ ?” પછી સંતોએ ઉત્તર આપ્યા પણ યથાર્થ  ઉત્તર થયો નહીં.

તેથી ગુરુજીએ કહ્યું, “મહારાજે સંતોને દિવસમાં પાંચ વખત કથા કરવાની આજ્ઞા કરી છે. એટલે અમને દિવસ દરમ્યાન જ્યાં સમય મળે ત્યાં સત્સંગ કરીએ. અમને પાંચ કથા પૂરી ન થાય તો ચેન ન પડે. વરસોથી અમે આ પ્રણાલિકા જાળવી છે. સાધુ થયા ત્યારથી પાંચ સભા કરવાની આજ્ઞા કદી લોપી નથી.”

આમ, ગુરુજીએ શ્રીહરિના અલ્પ વચનને સ્વજીવનમાં વણી લઈને, વચનપાલનતાનો જીવનોપદેશ સદૈવ વર્તનથી આપ્યો છે, શીખવ્યો છે.