શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા છે, “હે મહારાજ ! જમવા પધારો. પ્રભુ ! થાળ ઠંડા થઈ રહ્યા છે.”

     આ સાંભળતાં જ શ્રીજીમહારાજ તો ચપટી વગાડી ઊઠ્યા, ચાલ્યા જમવા. જીવુબા-લાડુબાના ઓરડે જતાં રસ્તામાં ઘોડશાળ આવે, એમાં થઈને મહારાજ નીકળ્યા.

     પણ... શ્રીજીમહારાજે જોયું કે આગળ જતાં એક પાર્ષદને એક ઘોડીએ પગની લાત મારી. પાર્ષદને વાગતાં વાગતાં રહી ગયું. પણ શ્રીજીમહારાજે વિચાર્યું કે, અરરર... અમારી જોડે રહેવા છતાંય ઘોડીનો લાતો મારવાનો સ્વભાવ ન ટળે તો એ ઠીક નહીં. બસ આજે એનો સ્વભાવ ટળે પછી જ જમવું.

     શ્રીજીમહારાજે એક ખુરશી મંગાવી. એક લાંબો વાંસ મંગાવ્યો અને એક લાકડાનું મોટું થડિયું મંગાવ્યું. ખુરશીમાં ઘોડીથી થોડે છેટે બેઠા. થડિયાને ઘોડીના પગ પાસે મુકાવ્યું.

     શ્રીજીમહારાજે હવે વાંસથી ઘોડીના પૂંછડે કે પગે ગોદો મારવાનું ચાલુ કર્યું. જ્યાં પહેલો ગોદો માર્યો, ત્યાં એકદમ ઘોડીએ લાત મારી. લાત સીધી થડિયા પર આવી. બીજી વખત ગોદો માર્યો, ઘોડીએ લાત મારી ને બીજી વખત જોરથી થડિયા સાથે ભટકાયો. ઘોડીના પગે વાગવાથી છોલાઈ ગયું. લોહી વહેવા માંડ્યું. પણ જ્યાં સુધી ઘોડીએ લાતો મારવાનું ચાલુ રાખ્યું ત્યાં સુધી શ્રીજીમહારાજે ગોદો મારવાનું ચાલુ જ રાખ્યું.

     પછી જેવો... ઘોડીએ પગ ઉપાડવાનો જ બંધ કર્યો ત્યાં શ્રીજીમહારાજ બોલી ઊઠ્યા, “હાશ... હવે ઘોડીનો સ્વભાવ ટળ્યો. ચાલો, હવે અમે જમવા આવીએ.”

     શ્રીજીમહારાજને સ્વભાવ ટળાવવાનો કેવો આગ્રહ !!!