તા. 18-8-2021 ને બુધવારના રોજ પૂ. સંતો અને પ્રિ-મુમુક્ષુના સભ્યો પ્રત્યક્ષ અને ઑનલાઇન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ લઈ રહ્યા હતા.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રશ્નોત્તરી દ્વારા દિવ્યદૃષ્ટિ કરવાની અને પરભાવમાં રહેવાની સરળ રીત નવા આયામથી રજૂ કરી રહ્યા હતા. પ્રશ્નોત્તરી દરમ્યાન પણ ગુરુજીની સાધુતાના સુમેરુ સમ સૂક્ષ્મદૃષ્ટિ સંતોને સાધુતાના પાઠ શીખવવા સતર્ક હતી.

પ્રશ્નોત્તરી દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સુરતમાં ડભોલી મંદિરે બેસી લાભ લઈ રહેલ પૂ. સંતોને પૂછ્યું, “સંતો, આ તમારી બેઠક પાછળની બારીના પડદા ઘાટા કલરના છે. સંત આશ્રમમાં આવા કલરના પડદા આપણને ન શોભે. સંત આશ્રમમાં જ બિરાજ્યા છો કે પછી... ?”

“દયાળુ, રાજી રહેજો. આ રુચિ કાયમ ધ્યાનમાં રાખીશું. અત્યારે તો અમે સભા હોલના ઓડિયો-વિડિયો રૂમમાં બેઠા છીએ. ગ્લેર ન પડે તેથી તેના પડદા ઘાટા રંગના રાખ્યા છે.” પૂ. સંતોએ વિનમ્રભાવે ખુલાસો કર્યો.

“એમ, તો તો વાંધો નહીં. સંતો, રાજી રહેજો. આ તો અમને ખ્યાલ નહોતો પણ આપણા સંત આશ્રમના પડદા તો લાઇટ કલરના છે ને ? આપણને રજોગુણી કલર, વસ્ત્રો, વસ્તુ કે કાપડ ગમવાં ન જોઈએ.”

“હા, મહારાજ.” પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની સાધુતાને નિખાર આપતી રુચિને શિરોવંદ્ય કરી. પરભાવના દિવ્ય પ્રવાહમાં પણ સાધુતાને અલ્પ ગૌણ ન થવા દઈ સંતોનું શ્રેષ્ઠ ઘડતર કરનાર સંત ઘડવૈયા સાધુતાના સુમેરુ એવા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં કોટિ વંદન હો... અહો વંદન હો...