ઈ.સ. 2014-15માં એક પુસ્તકના લખાણનું સેવાકાર્ય ચાલી રહ્યું હતું. આ સેવામાં એક સંત અને એક હરિભક્ત પણ સાથે રાખ્યા હતા. ગુરુદેવ બાપજી જ્ઞાનમાર્ગ અને કારણ સત્સંગના સિદ્ધાંતો અનુસાર પોતાના આદર્શો, આદેશો, રુચિ મુજબ પુસ્તક લેખનનું કાર્ય કરાવી રહ્યા હતા.

સેવાકાર્ય દરમ્યાન એક દિવસ ગુરુદેવ પ.પૂ. બાપજીનો જળ ધરાવવાનો સમય થયો. સેવક સંત આસને જળની તુંબડી ભરીને લાવ્યા. સેવક સંતના હાથમાં એક જ તુંબડી જોતાં તેમની આંખમાં આંખ પરોવી કરુણા નજરે ગુરુદેવ બાપજી બોલ્યા,

“સ્વામી, તમે અમારા માટે જળ લાવ્યા તો આ બે મુક્તો માટે જળ કેમ ન લાવ્યા ? આ બે મુક્તો માટે જળ લાવો, પછી જ અમે જળ ધરાવીશું.” ગુરુદેવ બાપજીના વચનોમાં માતૃહૃદયની મમતા છતી થતી હતી.

“હા બાપજી, હાલ જ લઈ આવું.” સેવક સંત બીજું જળ લેવા જઈ રહ્યા હતા. ત્યાં જ...

“બાપજી, આપ તો અમારા ગુરુ છો. અમારા માટે જળ અહીં લાવવાનું ન હોય ! સેવક સંતને તકલીફ નથી આપવી. અમે બહાર જઈને જળ ધરાવી આવીએ. ત્યાં સુધી આપ જળ ધરાવી લ્યો.” લેખનકાર્યની સેવા કરનાર બંને મુક્તોએ વિનય વચને પ્રાર્થના કરી.

“પણ તમે બંને પણ મહારાજના મુક્તો જ છો ને ! તમને મૂકીને અમારાથી એકલા કેમ જળ
 ધરાવાય ? સ્વામી જાવ, આ બેય મુક્તો માટે અહીં જ જળ લઈ આવો. પછી જ અમે ધરાવીશું.”

સેવક સંત ઝડપથી જળ લઈ આવ્યા અને બંને મુક્તોને આપ્યું. એ જોઈને ગુરુદેવ પ.પૂ. બાપજીએ જળ ધરાવ્યું. પછી બંને મુક્તોએ ધરાવ્યું.