આમોદના દિનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. શ્રીજીમહારાજના સમયમાં અગ્રગણ્ય જ્ઞાનીઓમાં તેમનું સ્થાન હતું. તેઓ ઉત્સવ-સમૈયા પ્રસંગે કથા વાંચતા. તેમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મુખપાઠ હતા. તેથી તેનું તેમને માન રહી જતું.

એક દિવસ શ્રીજીમહારાજે દિનાનાથ ભટ્ટને પૂછ્યું કે, “ભટ્ટજી, તમને કેટલા શ્લોક મોઢે આવડે છે ?”

“મહારાજ, આપની કૃપાથી અઢાર હજાર શ્લોક મોઢે આવડે છે. કથા વાંચવા બેસું ત્યારે પુસ્તક ખોલું છું પણ દૃષ્ટિ કરવાની જરૂર નથી પડતી.”

“ભટ્ટજી, તમારી વાત સાચી પણ એક પ્રશ્ન પૂછું ?”

“બોલો દયાળુ,”

“ભટ્ટજી, તમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મોઢે આવડે છે પરંતુ એ શ્લોકમાંથી તમે તમારા જીવાત્માના કલ્યાણ અર્થે કયો એક શ્લોક નક્કી કર્યો છે ?”

“આ પ્રશ્ન સાંભળતાં દિનાનાથ ભટ્ટ છોભીલા પડી ગયા કારણ કે, અઢાર હજાર શ્લોકમાંથી એક પણ શ્લોક પોતાના જીવાત્માના કલ્યાણ અર્થે નક્કી નહોતો કર્યો.”

આમ, શ્રીહરિ માત્ર વાચ્યાર્થ જ્ઞાનથી રાજી નથી થતા. શ્રીહરિ મુમુક્ષુતાના આગ્રહ સાથે જ્ઞાનને લક્ષ્યાર્થ તરફ લઈ જનાર પાત્રો ઉપર ખૂબ રાજી થાય છે.