“પ્રભુ ! ભૂખ્યો છું. જો કાંઈ અન્ન નહિ મળે તો પ્રાણ નીકળી જશે.”

શ્રીહરિને લાલજી સુથાર સંગે કચ્છનું રણ પસાર કરતી વેળાએ રસ્તામાં એક ભિક્ષુકે પ્રાર્થના કરી.

શ્રીહરિએ લાલજી ભક્ત સામું જોયું પરંતુ ભગત બીજી દિશામાં જોવા લાગ્યા.

શ્રીહરિ તેમનો ભાવ સમજી ગયા. તેમણે લાલજી ભક્તને કહ્યું, “ભક્તરાજ ! અન્નાર્થીને અન્ન આપવું એ આપણો ધર્મ છે માટે આપણી પાસે જે ભાથું છે તે બધું આપી દો.”

લાલજી ભક્તને શ્રીહરિની આ આજ્ઞા ભારી લાગી. તેમણે કહ્યું, “અન્ન તો આપના માટે છે. આપ ભૂખ્યા થશો ત્યારે આપને હું શું આપીશ ?”

આ સાંભળી શ્રીહરિએ કહ્યું, “જુઓ ભક્ત, આ બિચારો અત્યંત ભૂખ્યો છે, પ્રાણ જવાની તૈયારીમાં છે, એટલામાં આપણો ભેટો થઈ ગયો. આપણી આવી સ્થિતિ થશે તો આપણને પણ નહિ મળી રહે ?”

લાલજી ભક્ત પાસે આનો ઉત્તર ન હતો.

“પદાર્થોના પરિગ્રહના આધારે રહેવા કરતાં કેવળ અમારા આશરે રહેવું એ જ ભક્તિનું બળ છે. અમારા પરત્વેની નિષ્ઠાની દૃઢતા છે.” શ્રીહરિએ કહ્યું.

શ્રીહરિના દિવ્ય વચનોથી લાલજી ભક્તનાં અંતર કમાડ ઊઘડી ગયાં. એમણે તરત જ સાથેનું ભાથું ભિક્ષુકને આપી દીધું.

આમ, શ્રીહરિ નિરંતર સંતો-ભક્તોને પદાર્થ-પગલાંના પરિગ્રહના આધારે નહિ, પણ પોતાના (મહાપ્રભુના) આધારે જીવવાનો માર્ગ ચીંધતા.