તા. ૧૭-૧-૨૦૨૧ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રિ-મુમુક્ષુના મુક્તોને પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. આજ રોજ અવરભાવમાં ગુરુજીનું સ્વાસ્થ્ય સારું ન હતું. થોડી નાદુરસ્તી જણાતી હતી તેમ છતાં સળંગ ત્રણ કલાક લાભ આપ્યો. સ્વાસ્થ્ય નાદુરસ્ત હોવાથી એક પૂ. સંતે કહ્યું, “સ્વામી, અમે આપના દાખડા લેખે લગાડીએ એવી દયા કરજો.”

ત્યારે બીજા પૂ. સંતે કહ્યું, “સ્વામીશ્રી, આપ અમ સૌને સુખિયા કરવા રાત-દિન એક કરો છો. આપના સ્વાસ્થ્યની સહેજ પણ ચિંતા કરતા નથી અને અમને સૌને સુખિયા કરવા દાખડા કરો છો.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ માર્મિક રીતે સર્વે સભાજનોને કહ્યું કે, “અમને તમારી તંદુરસ્તીનો ખ્યાલ ને ચિંતા રહે છે. તમારો આત્મા તંદુરસ્ત બને અને આપ બધાનું સ્વાસ્થ્ય અમારે સુધારવું છે, એના માટે અમે દાખડા કરીએ છીએ.” ગુરુજીની આ મર્મવાણી સમજવી ઘણી કઠિન હતી.

આમ, ગુરુજીને પોતાના અવરભાવના સ્વાસ્થ્ય કરતાં પોતાના શિષ્યગણના ચૈતન્યની તંદુરસ્તીની ચિંતા વધુ છે. તેથી જ તેઓ રાત્રિ-દિવસ જોયા વિના દાખડા કર્યા કરે છે.