સંવત ૧૮૬૦, શ્રીહરિની વડતાલ મુકામે પહેલી વાર પધરામણી.

વડતાલના તળાવ કાંઠે (હાલ જ્યાં સ્વામિનારાયણ મંદિર છે) બાપુભાઈએ શ્રીહરિને હાથ જોડી કહ્યું, “મહારાજ ! અમારા વડતાલમાં થોડાં વર્ષો પહેલાં એક સંન્યાસી આવેલા. ૧૭-૧૮ વર્ષની વયના અતિ તેજસ્વી મુખવાળા બહુ જ નિ:સ્પૃહી હતા.”

“એમ.” અજ્ઞાનવશ જણાતા શ્રીહરિએ હામાં હા ભેળવી.

“અમારા ગામમાં ભગવાનદાસ પ્રજ્ઞાચક્ષુ હતા. તેમણે સંન્યાસીની દયાથી આંખોનું રતન મેળવેલું.”

શ્રીહરિ મનમાં મરકાતા વાતને સાંભળ્યે જતા હતા અને પોતાની વાતમાં શ્રીહરિને રસ પડ્યો છે એમ જાણી બાપુભાઈ પણ વાતો કર્યે જતા હતા.

“એ મહાત્માની અમે સેવા કરી, આ બોરડી છોડીને અમારે ઘેર પધારવા ઘણું કહ્યું પણ એ તો એવું જ કહેતા કે આ સ્થાન બહુ પવિત્ર છે, આંહીં ભવિષ્યમાં બહુ મોટું મંદિર થશે.”

“અહો, તો તો આ બહુ પવિત્ર સ્થાન કહેવાય, આમેય આવા સિદ્ધોની વાત ખોટી ન પડે.” શ્રીહરિ બાપુભાઈની વાતમાં ભળી ગયા હોય એમ કહ્યું.

“પણ પ્રભુ ! પછી એ સિદ્ધ તો અહીંથી ચાલ્યા ગયા. અમે ઘણી ભાળ કાઢી, આજુબાજુના ગામોમાં તપાસ કરી પણ ક્યાંય ન મળ્યા. એ સિદ્ધે કહ્યું હતું જે, તમારા ગામમાં પૂર્ણ પુરુષોત્તમ પધારશે.”

“હા, આજ આવ્યા જ છે ને ?” શ્રીહરિએ તરત જ કહ્યું.

આ શબ્દો સાંભળી બાપુભાઈનાં અંતર કમાડ ઊઘડી ગયાં, “અહો, આપ જ પૂર્ણ પુરુષોત્તમ છો ?”

“અને પૂર્વે આવેલા સંન્યાસી એ બીજું કોઈ નહિ પણ અમે જ હતા.”

બાપુભાઈએ ગદ્ગદ થઈ મહારાજના (ચરણમાં પડી) પ્રણિપાત કરતાં કહ્યું, “અરે, મહારાજ આપ એના એ જ હતા તોપણ મારા જેવા અબુધની વાત સાંભળ્યે જ રાખી.”

શ્રીહરિ હસ્યા અને કહ્યું, “તમારા જેવા ભક્તોની આવી ભક્તિભાવભરી વાતો સાંભળવા જ અમે પ્રગટ થયા છીએ. અમારું સર્વજ્ઞપણું દબાવીને તમારી સાથે તમારી જેવા થઈ વર્તીએ તો જ તમને આનંદ આવે ને !”

આમ, શ્રીહરિ સમર્થ હોવા છતાં હરિભક્તો સાથે સજાતિભાવે વર્તી સુખ આપતા.