“અરે મહારાજ, આજે તો ગજબનું થયું.” ભાદરાના વશરામ સુથારે શ્રીહરિને આશ્ચર્યવત્ કહ્યું.

“શું થયું ભગત ?” અંતર્યામી હોવા છતાં શ્રીહરિએ કુતૂહલવશ પૂછ્યું.

“મહારાજ, આપ ઘેર પધાર્યા એના આનંદમાં હું ખેતરથી દોડતો દોડતો આવતો હતો. એવામાં રસ્તામાં રાફડા પર કીડીઓનું કીડિયારું જોયું. તે જોઈ મનમાં સંકલ્પ થયો જે, ‘મને તો શ્રીહરિ મળ્યા તેથી મારું તો કલ્યાણ થઈ ગયું પણ આવા અસંખ્ય જીવોનો મોક્ષ શી રીતે થાય !’ ત્યાં તો અનંત વિમાનો નીચે ઊતર્યાં અને કીડીઓ દિવ્ય દેહ પામી ધામમાં ગઈ. આવું આશ્ચર્ય મેં જોયું.”

આ સાંભળી શ્રીહરિએ કહ્યું, “વશરામભાઈ ! એમાં કાંઈ નવાઈ નથી. અમે તો અનંત જીવોનાં કલ્યાણ કરવાના સંકલ્પથી જ તમને મનુષ્ય જેવાં દર્શન આપીએ છીએ. માટે અમારા પ્રતાપે તમે જેટલા સંકલ્પ કરશો તેટલા અમે પૂરા કરીશું. આજે તો તમે કીડીઓ માટે આવો સંકલ્પ કર્યો પરંતુ જો આખા બ્રહ્માંડના જીવો માટે મોક્ષનો સંકલ્પ કર્યો હોત તોપણ આખા બ્રહ્માંડનો મોક્ષ થઈ જાત.”

સર્વે હરિભક્તો આ વાત સાંભળી શ્રીહરિના મહાત્મ્યસાગરમાં ગરકાવ થયા જે, ‘શ્રીજીમહારાજનો પ્રતાપ તો જુઓ !! એમના આશ્રિત એવા આપણે હરિભક્તોના સંકલ્પે પણ અનંતનાં કલ્યાણ થાય છે. ધન્ય હો, કોટિ વંદન હો..!!’

આમ, શ્રીહરિનો જીવ-પ્રાણીમાત્રનો કલ્યાણ કરવાનો સંકલ્પ પ્રસંગોપાત્ત સવિશેષ જોવા મળતો.