જ્યારે ધર્મ પ્રગટે છે ત્યારે ધર્મનો ધ્વંસ કરવા અધર્મ પણ આવે છે. પણ જીત હંમેશાં ધર્મની જ થાય છે.

શ્રીહરિ ગાદીએ બિરાજ્યા તે વાત સદ્. રામાનંદ સ્વામીના સૌથી જૂના શિષ્ય ગાદીના ઇચ્છુક રઘુનાથદાસને જરાય રુચ્યું નહીં.

તેથી અમદાવાદમાં રઘુનાથદાસે ઉપાધિ શરૂ કરી.

શ્રીહરિ અમદાવાદ પધાર્યા. સદ્. રામદાસસ્વામીનું મંડળ અમદાવાદમાં વિચરતું હતું. સદ્. રામદાસસ્વામીએ શ્રીહરિને રસોઈ કરી જમાડ્યા.

જમાડ્યા બાદ રામદાસસ્વામી રઘુનાથદાસે કરેલી ઉપાધિનું વર્ણન કરતા હતા.

શ્રીહરિ રૂપાની સળી વતી દંત ખોતરતાં સાંભળી રહ્યા હતા.

“મહારાજ, રઘુનાથદાસ એવું કહે છે કે ગાદીનો હું જ વારસ છું, મને જ રામાનંદ સ્વામીએ જ્ઞાન આપ્યું છે, મને જ વારે વારે બોલાવતા, દરેક વાતમાં પૂછતા, એટલે ખરો વારસદાર તો હું જ છું પણ આ સહજાનંદે તો એમને ભરમાવ્યા એટલે એમને ગાદી સોંપી દીધી.”

“સ્વામી ! રઘુનાથદાસ જે કરે તે, આપણે તો તેનું ભૂંડું ન થાય એ જોવાનું.”

શ્રીહરિની વાત સાંભળી રામદાસસ્વામી શ્રીહરિના મહાત્મ્યમાં ડૂબી ગયા.

‘આટલો દ્રોહ કરવા છતાં, અનેકને તેમના વિરુદ્ધ ભરમાવવા છતાં દયાળુમૂર્તિ શ્રીહરિ સહજતાથી કહે છે કે, તેનું ભૂંડું ન થાય એ જોવાનું છે. આવી દયાની, પરોપકારની ભાવના પ્રભુ વિના કોનામાં હોય ?!’

આમ, શ્રીહરિના પરહિતકારીપણાની સરિતા સદાય સૌના માટે વહ્યા કરતી.