તા.૧૧, ૧૨, ૧૩ જૂન-૨૦૧૭ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ સૌરાષ્ટ્ર ખાતે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢઆ જિલ્લાઓમાં ગોઠવાયેલું હતું. અંતમાં જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દોઢ દિવસનો પ્રોગ્રામ ગોઠવાયેલો હતો. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું રાત્રિ રોકાણ જૂનાગઢ ખાતે હતું.

જૂનાગઢમાં નવા સત્સંગમાં જોડાયેલા એક હરિભક્તના બંગલામાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો મહાપૂજા, રસોઈનો પ્રોગ્રામ તથા તેમના ઘરે પૂ.સંતોએ ઉતારાની વ્યવસ્થા ગોઠવેલી હતી. તેઓ આ લોકની રીતે જૂનાગઢમાં મોટેરી વ્યક્તિ કહેવાય. તેમની સરકાર લેવલે પણ મોટી પોસ્ટ તથા ધને કરીને ખૂબ સુખી.ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જાણ્યું કે પૂ.સંતોનો ઉતારો અહીં છે. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ અરુચિ જણાવતાં કહ્યું કે, મોટેરી વ્યક્તિ સાથે મહારાજને બનતું નથી તેમ અમારે પણ ન બને. માટે આ ઘરે ઉતારો નથી કરવો. આપણો જે ફ્લેટ છે ત્યાં ઉતારો કરીએ. પૂ.સંતોએ ત્યાં ફલેટની અગવડતા બાબતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી. પરંતુ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ અગવડતાને પસંદ કરી. બે નાની રૂમ હતી. ફક્ત એક જ રૂમમાં ACની વ્યવસ્થા હતી. તેમાં ઠાકોરજી તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને પોઢાડવા માટે નક્કી કર્યું. રૂમમાં બે-ત્રણ પૂ.સંતો માંડ પોઢી શકે તેવી સાંકડી હતી. છતાંય ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પોતે અગવડતા વેઠી રૂમમાં વિશેષ સંતો પોઢી શકે તેવી વ્યવસ્થા કરાવડાવી. બીજી બાજુ એક જ સંડાસ-બાથરૂમ અને પૂ. સંતો પણ વિશેષ. આવી તકલીફ સહન કરી પોતે ફ્લેટમાં જ ઉતારો લીધો.

તકલીફ, દુઃખ, અગવડ સામે ન જોતાં એક મહારાજની રુચિ સામે, મહારાજની મરજી સામે જ નિરંતર દૃષ્ટિ રાખી અને આપણને સૌને રખાવી. જેમ મહારાજે વડતાલના ૧૬મા વચનામૃતમાં મરજી જણાવી છે તેમ આ પ્રસંગ દ્વારા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને સૌને આ મરજીમાં રહેવાની પ્રત્યક્ષ રીત સમજાવી રહ્યા છે. બસ, આપણે પણ આ મરજીને પોતાની કરીએ.