તા. ૨૫, ૨૬ જૂન-૨૦૧૭ એમ દોઢ દિવસ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ભાવનગર ખાતે વિચરણ ગોઠવાયું હતું.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ૨૫ તારીખે પધરામણી તથા સભાનું આયોજન હતું. પધરામણી પૂર્ણ થવામાં થોડું મોડું થઈ ગયેલું. બીજી બાજુ કથાવાર્તા શ્રવણ કરવા પધારેલ હરિભક્તો પણ આવી ગયા હતા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ પૂ.સંતોને પ્રવચન ચાલુ કરવા જણાવ્યું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પધરામણીમાંથી તરત જ મંદિર પધાર્યા. સભાનો સમય થઈ ગયો હતો. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી મંદિરમાં પધાર્યા કે તરત ઉતાવળા ઉતાવળા સભામાં જવા માટે આતુર બન્યા. પૂ.સંતોએ કહ્યું કે, “હમણાં જ પૂ.સંતોએ પ્રવચન ચાલુ કર્યું છે એટલે આપ થોડીવાર રિલેક્સ થઈને, જળ ધરાવીને પધારો.”આટલું સાંભળતાં જ કથાવાર્તાના અતિ આગ્રહી સમા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “શું બોલ્યા? રિલેક્સ થવાનું ! રિલેક્સ શબ્દ ગુરુદેવ પ.પૂ.બાપજીની ડિક્ષનરીમાં જોયો નથી તેમ અમારા જીવનમાં-ડિક્ષનરીમાં રિલેક્સ શબ્દ રાખ્યો જ નથી. રિલેક્સ-બિલેક્સ થવાનું કામ તમને સોંપ્યું. એટલે તમે રિલેક્સ થઈને સભામાં આવો. અને બીજું, સંત લાભ નથી આપતા, સંતના દ્વારા બોલનારા મહારાજ છે. મહારાજ લાભ આપે છેએટલે અમારે મહારાજનો લાભ લેવા જવું જ છે.”

આમ, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પધરામણીમાંથી પધારી માત્ર જળ ધરાવી તરત જ સભામાં પધાર્યા.