વર્ષ ૨૦૧૯ના અંતે દિવાળીના દિવસો બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પધરામણી માટે પધાર્યા હતા.

પૂ. સંતોને આસને બોલાવ્યા અને પોતાની રુચિ જણાવતાં કહ્યું, “આ વખતે અમારે મોટેરા-સુખી હરિભક્તોને બદલે નાનેરા-મધ્યમ વર્ગીય હરિભક્તોના ઘરે પધરામણી માટે જવું છે. જ્યાં અમે ઘણા સમયથી ગયા નથી, જેમની લાગણી હોય કે, ‘અમે નાના હરિભક્ત છીએ માટે આપણા ઘરે હવે પ.પૂ. સ્વામીશ્રીને ન બોલાવાય’ એવા હરિભક્તોને ત્યાં જ અમારે પધરામણીએ જવું છે. અને એવા હરિભક્તોની ગાડીમાં અમારે વિચરણ કરવું છે કે જેમની નાની ગાડી હોય, જેમને ઇચ્છા રહેતી હોય કે, ‘અમને ગાડી ચલાવવાનો અને એમાં સ્વામી પધારે એવો લાભ મળે’ એવા હરિભક્તોની ગાડીઓમાં બેસવું છે. અને એમને જ ગાડી ચલાવવાની સેવાનો લાભ આપવો છે. તો એ કેટલા બધા રાજી થાય !”

ત્યારપછી વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શાહીબાગમાં રહેતા નાના હરિભક્તોની ચાલીમાં પધરામણી માટે પધાર્યા. તેઓએ સૌને ખૂબ સુખ આપ્યું. જેમના ઘરોમાં નીચા નમીને જવું પડે અને ત્રણ વ્યક્તિ સાથે ચાલી ન શકે એવા સાંકડા રસ્તાઓને હરિભક્તોના પ્રેમને વશ થઈ તેમણે પાવન કર્યા.