ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત અવરભાવમાં નરમ-ગરમ રહેતી. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને ગોધર ગુરુપૂર્ણિમાના સમૈયામાં પ્રત્યક્ષ ન પધારતાં વિડિયો કોલિંગ દ્વારા દર્શન આપવા પ્રાર્થના કરતા હતા.

પરંતુ તેઓ એમ માને શાના ? પોતે જવાનો આગ્રહ ચાલુ રાખ્યો. તા. ૫-૭-૧૯ના રોજ અવરભાવમાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું બી.પી. ૨૦૦ કરતાં વધુ હતું. તેમની તબિયત પણ ઘણી નાદુરસ્ત હતી. ડૉક્ટરોએ ગોધર ન જવાનું આગ્રહપૂર્વક સૂચન કર્યું.

મોટાપુરુષનો મંદવાડ દેહધારી જેવો નથી હોતો. તેમણે સ્વતંત્રપણે અદ્ભુત સામર્થ્ય જણાવી એકાએક મંદવાડને રજા આપી ડૉક્ટરને કહ્યું, “જો અમે મહારાજના સંકલ્પથી જઈએ છીએ માટે કંઈ નહિ થાય. જો તમે નહિ જવા દો તો તબિયત બગડી જશે.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી, સંતો તથા ડૉક્ટરો “ના, ના, ના” કહેતા રહ્યા અને તેઓ તા. ૭-૭-૧૯ના રોજ વહેલી સવારે પોતાના અતિ વ્હાલા આદિવાસી મુક્તોને મળવાની તૃષા છિપાવવા પહોંચી ગયા. આ પણ પ્રિ-પ્લાનિંગ હતું.

પંચમહાલના આદિવાસી મુક્તોને ખબર નહોતી કે ગુરુનાં પ્રત્યક્ષ દર્શનની આ છેલ્લી ગુરુપૂર્ણિમા છે પણ તેઓ પોતે પૂર્વાપર આયોજન રૂપે પધાર્યા. મા જેમ છેલ્લી વારે પોતાના દીકરાને મળવા તત્પર હોય તેમ ગોધર પહોંચી ગયા.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સવારથી સાંજ સુધી એક એક આદિવાસી હરિભક્તોને નિકટ દર્શન આપી અંતરના આશિષ વહાવ્યા.