ઈ.સ. ૧૯૯૮માં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મહેમદાબાદમાં નદીકિનારે વસંત રજત સેવાશ્રમ ખાતે ત્રણ ત્રણ દિવસની બાળકો, કિશોરો, યુવકો, વડીલોની શિબિર થતી હતી. ત્યાં ચીકુવાડી હતી. ત્યાં ખુલ્લામાં સભાઓ કરતા. ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી છેલ્લા દિવસે આશીર્વાદ આપવા પધારતા.

એક વખત શિબિરની પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુદેવ પ.પૂ. બાપજી આશીર્વાદ સાથે લાભ આપવા પધાર્યા ને ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાજુમાં બિરાજતા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સામે હસ્તનો લટકો કરી સર્વે સંતો-હરિભક્તોને કહ્યું કે,

“જોજો તો ખરા... લખી રાખવું હોય તો લખી રાખજો... હું આ સ્વામી માટે રોજ વહેલો ઊઠી પ્રાર્થના કરું છું, ‘હે મહારાજ ! સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. નિત્યાનંદ સ્વામી બધાય ૩૦૦૦ નંદસંતો ને તે પછી જે બાપાશ્રીની પેઢીના સદ્ગુરુઓનો સમાવેશ આ એકમાં થઈ જાય અને તેમની શક્તિ, બળ, તાકાત આને આપજો...’ એવો પ્રભાવ ને પ્રતાપ મહારાજ આ એકમાં મૂકશે અને આખા વિશ્વમાં ડંકા વગાડશે. એમ મહારાજને રોજ હું પ્રાર્થના કરું.”

આહાહા... આહાહા... ગુરુદેવ પ.પૂ. બાપજીના ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પરના આશીર્વાદ ને સાથે આપણા સૌના પર થયેલી અનહદ કૃપા કે અનેક સત્પુરુષોનાં દર્શન, રીત, સિદ્ધાંતો આપણને આ એક દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીમાં અદ્ભુત રીતે દર્શન થતાં હોય છે.