તા. ૨૨-૮-૨૦૧૯ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાનો દેખાતો અવરભાવ અદ્રશ્ય કરવાના હતા એ પૂર્વે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉદાસ થઈ ગયા હતા.

ગુરુદેવ પ.પૂ. બાપજી ને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની અવરભાવમાં અંતિમ અંગત મિટિંગ ગોઠવાઈ. ગુરુદેવ પ.પૂ. બાપજી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ઉદાસ જોઈ પાસે બોલાવી પોતાના દિવ્ય ખોળામાં માથું મુકાવી સ્નેહ કરવા લાગ્યા ને પછી તેઓ બોલ્યા, “સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી), પહેલેથી અમારી તેં કોઈ ચિંતા રહેવા દીધી નથી. તું ચિંતા ન કરીશ. મહારાજ અને અમે તારી ચિંતા રહેવા નહિ દઈએ... સ્વામી, જો અમારી ભલામણ છે : જો, આ સર્વે સંતો-હરિભક્તોને તું તારા જેવા કરજે... આ અમારી તને અંતિમ ભલામણ છે...”

ત્યાં અશ્રુભીના નયને ને ભારે હ્દયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ બે હસ્ત જોડતાં કહ્યું, “બાપજી ! આપ મારા એકની ચિંતા ન કરો... આપ આ સમગ્ર એસ.એમ.વી.એસ.ના સમાજની ચિંતા કરજો...”

“બધાની ચિંતા કરવાની સેવા તારી છે...” એમ રાજીપો જણાવતાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના શિરે ‘મા’નો સ્નેહલ હસ્ત ઘણી વાર ફેરવ્યો.

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ગુરુદેવ પ.પૂ. બાપજીએ મહારાજ-બાપાશ્રીના સંકલ્પો વહન કરવાની સેવા અતિ રાજી થઈને સોંપી છે.