રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત-ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં આવતા હતા. તેઓ હાથનું નેજવું કરી તેમની આંખમાં આંખ પરોવી હેતથી ‘જય સ્વામિનારાયણ’ કહેતા હતા તેમ છતાં તેમની દૃષ્ટિ કોઈને શોધતી હતી. દર્શનની લાઇન પૂરી થતાં તુરત તેમણે પૂછ્યું, “ભગત ભેંસરાના ગમાભાઈ ડામોરનો દીકરો મુકેશ નથી આવ્યો ?”

૧૫-૧૭ વર્ષના એક આદિવાસી કિશોરનું પણ તેમના હૃદયમાં આગવું સ્થાન છે. સમૈયામાં આવેલા હજારો હરિભક્તોમાં પણ એક કિશોર નહોતો આવ્યો તે તેમની જાણ બહાર નહોતું.

હરિભક્તોએ કહ્યું, “બાપજી, મુકેશને તો લકવો થઈ ગયો છે. પથારીવશ છે ! તો કેવી રીતે સમૈયામાં આવે ?”

“તમે અત્યારે જ ગામ પાછા જાવ અને ઝોળીમાં લાવીને પણ મુકેશને અહીં લઈ આવો. એને લાવો ત્યાં સુધી અમે રોકાઈશું. માટે તરત લેવા નીકળી જાવ.”

હરિભક્તો પોતાને ગામ ગયા. ઝોળીમાં લાવીને મુકેશને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે લાવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેની ઉપર દિવ્યદૃષ્ટિ રેલાવી, માથા ઉપર દિવ્ય હસ્ત પ્રસાર્યો. અભિષેકનું જળ આપ્યું.

આશીર્વાદ વરસાવતાં કહ્યું, “જા, મહારાજ-બાપા ખૂબ ભેળા ભળશે. આ પ્રસાદીનું જળ રોજ થોડું થોડું ધરાવજો અને લગાવજો. આવતા સમૈયે ચાલતો આવીશ અને પછીના સમૈયે દોડતો આવીશ એવો મહારાજ કરી દેશે.” ત્યારબાદ મોડી સાંજે તેઓ વાસણા પરત પધાર્યા.

આહાહા...! એક આદિવાસી કિશોરનું પણ તેમના હૃદયમાં કેવું આગવું સ્થાન ! કેવું તેનું જતન !