સુરતના ડૉ. અશોકભાઈ તેજાણી સત્સંગમાં આવ્યા પૂર્વે પરોક્ષમાં જતા. દર એકાદશીએ કાર્ય સત્સંગના મંદિરમાં દર્શને જતા, સંતોનો જોગ-સમાગમ કરતા. પરંતુ પોતે મુમુક્ષુ હતા તેથી અંતરમાં કંઈક ઓછું છે તેવું રહ્યા કરતું. ઈ.સ. ૨૦૦૯માં ગુરુદેવ પ.પૂ. બાપજી સુરત પાસોદરા પાટિયા સ્વામિનારાયણ ધામ ખાતે લાભ આપવા પધાર્યા હતા. સુરતના હરિભક્ત મનહરભાઈ પટેલના આગ્રહથી ડૉ. અશોકભાઈ તેજાણી ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા ગયા.

પ્રથમ દર્શને જ તેમને અદ્વિતીય શાંતિનો દિવ્ય અનુભવ થયો હતો. અંતર વર્ષોથી જેને ઝંખતું હતું તે મળી ગયું હોય તેવો અતિશે આનંદ થયો અને આંતર પરિવર્તન થવા માંડ્યું, મનના તર્ક-વિતર્ક-સંશયો ટળવા માંડ્યા.

સભામાં શ્રીજીમહારાજના સર્વોપરીપણાની અને અનાદિમુક્તની સ્થિતિની વાતો થઈ હતી. સભા બાદ તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહ્યું, “આપ કૃપા કરી આશીર્વાદ આપો. મારે અનાદિમુક્ત થવું છે. આપની કૃપાથી જ થવાશે.”

ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું,

લાવો, આજે અમે તમને અનાદિમુક્તના વર્તમાન ધરાવી નવી કંઠી પહેરાવીએ. લો, આ આજથી તમને પ્રાપ્તિએ કરીને અનાદિમુક્ત કર્યા. હવે સભા પછી પ્રસાદ લઈ થોડી વાર રોકાજો.”

અશોકભાઈ પ્રસાદી લઈ ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે બેઠા. ગુરુદેવ પ.પૂ. બાપજીની કમાનમાંથી તીર છૂટે ને નિશાન વેંધે તેવી વાતો નીકળવા માંડી. અશોકભાઈ વીંધાઈ ગયા કે તેમને શ્રીજીમહારાજની અજોડ ઉપાસનાની નિરુત્થાનપણે ગેડ્ય પડી ગઈ.

ગુરુદેવ પ.પૂ. બાપજી થકી તેમને એવી અજોડ ઉપાસના દઢ થઈ કે ગુરુદેવ પ.પૂ. બાપજી તેમને કહેતા કે, “અશોકભાઈ, તમારે સૌને અન્વય-વ્યતિરેકની લાઇન પાકી કરાવવી, શ્રીજીમહારાજની અજોડ ઉપાસના કરાવવી તેમાં મહારાજ ખૂબ તમારા ભેળા ભળશે.”

આમ, SMVSમાં એવાં અનેક પાત્રો છે જેમને રાત્રે એકલા બેસાડી બેસાડીને ગુરુદેવ પ.પૂ. બાપજીએ અજોડ ઉપાસનાની ઠાવકી ગેડ્ય પડાવી છે.