વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પવિત્ર ચાતુર્માસના મહાત્મ્યની તથા તેમાં વિશેષ નિયમ લેવાથી મહારાજ અને મોટાપુરુષનો કેવો રાજીપો થાય તેની વાત કરતા હતા. સૌ સંતો-સાધકમુક્તો કથા શ્રવણ કરી રહ્યા હતા.

તે વખતે એક નવદીક્ષિત સંતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો,

“સ્વામી, રાજી રહેજો. સેવકને એક પ્રશ્ન પૂછવો છે, તો આપ અનુમતિ આપો તો પૂછું ?”

“હા સ્વામી, બોલો શું પ્રશ્ન છે ?”

“સ્વામી, આપ જ્યારે જ્યારે કથા કરો છો તથા સંતો પણ કથા કરે છે તો પ્રારંભમાં મંગળાચરણ બોલાવે છે. તે મંગળાચરણ શેના માટે બોલાય છે ? તે કૃપા કરીને કહો.”

“સ્વામી, મંગળાચરણ એટલે આપણે જે સ્થાન પર બેઠા હોય તે સ્થાન પરથી ઊભા થઈ જવું અને મહારાજને પ્રસ્થાપિત કરવા એટલે કે મહારાજને કર્તા કરવા અને મહારાજને પ્રાર્થના કરવી કે, હે મહારાજ, આપ કથા કરજો ને સૌને બળિયા કરજો... બસ તે માટે જ મંગળાચરણ કરાય છે.”

આમ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સંતો-સાધકોનું ઘડતર કરી સૌને મંગળાચરણની રીત શીખવી.