સાવદા ગામ, ભરબજાર, ઠેર ઠેર દુકાનો.

દુકાનોની વચ્ચે એક કંદોઈની દુકાન. દિવસે માલ વેચે; રાત્રે માલ બનાવે.

એક દિવસની વાત.

ગામ જંપી ગયું, બધા ગાઢ નિદ્રામાં.

અને કંદોઈ તો મીઠાઈ બનાવવા તાવડે બેઠા.

એક આશ્ચર્યકારી ઘટના જોઈ.

‘અરે, આ શું ?

શ્યામદાસની દુકાન આગળ પોલીસની ચોકી ?

આવું તો ક્યારેય નથી બન્યું.

હશે, શ્યામદાસની દુકાનમાં તિજોરી ઊતરી હશે તેથી પોલીસ ચોકિયાત કરતો હશે.’

તાવડા પર મીઠાઈ બનાવતાં બનાવતાં કંદોઈ વિચારતા હતા અને પ્રભાત થવા આવ્યું.

પોલીસ તો કંદોઈની દુકાન તરફ ધસી આવી.

“કંદોઈ મહારાજ, અમે પોલીસ નથી. અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ. અમારો ભક્ત શ્યામદાસ ઉતાવળમાં દુકાનને તાળું મારવાનું ભૂલી ગયો તેથી અમે પોલીસના વેશે આખી રાત દુકાનની ચોકી કરી. અમારા ભક્તની તમામ ચિંતા હું રાખું છું.”

કંદોઈને થયું, ‘આ ભગવાન તો ખરેખરા ભક્તવત્સલ છે, પોતાના ભક્તની રક્ષામાં કેવા ખડે પગે હાજર રહે છે !! ધન્ય છે શ્યામદાસને તેને આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા !!! એના પર તો સ્વામિનારાયણ ભગવાનની ઘણી મહેર કહેવાય !!!’