ઈ.સ. 1984માં ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા.

     કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી.એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી પધારતાં પધરામણી શરૂ થઈ.પધરામણી ખૂબ ચાલી.

     શિયાળાના દિવસો હતા એટલે સાંજ વહેલી પડી.ગામડામાં તો સાંજ પડે સૌને જમાડવાનું ને પોઢાડવાનું વહેલું હોય.છતાં રાત્રે આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી ગામના હરિમંદિરમાં સભા ચાલી.રાત્રે અગિયાર વાગ્યે ચેષ્ટા કરી ગુરુવર્ય પ.પૂ.બાપજી,પ.પૂ.સ્વામીશ્રી અને પૂ.સંતોએ ઠાકોરજી પોઢાડ્યા.

     ગુરુવર્ય પ.પૂ.બાપજી પોઢ્યાને પંદર-વીસ મિનિટ થઈ ત્યાં તો તેઓને શરીરે ઠંડી ચડી એટલે ધ્રૂજતા હતા.

     સેવામાં રહેલા સંતે પૂછ્યું,“બાપજી શું થાય છે ?”

     “આજે ઠંડી બહુ લાગે છે.”

     પ.પૂ.સ્વામીશ્રીએ તરત જ ગુરુવર્ય પ.પૂ.બાપજીને બે-ત્રણ ધાબળા ઓઢાડ્યા.છતાં ઠંડી ઓછી થવાનું નામ લેતી ન હતી.ઊલટાની ઠંડી વધતી જતી હતી.

     એટલે પ.પૂ.સ્વામીશ્રીએ હાથ જોડી પૂછ્યું,“બાપજી, આપને તો અવરભાવમાં કાયમી ગરમીનું અંગ છે. શિયાળામાં પણ આપ તો પંખો ચાલુ કરીને પોઢો છો ને આપને આટલી બધી ઠંડી !!! બે-ત્રણ ધાબળા ઓઢાડવા છતાં ઠંડી ઓછી થતી નથી એનું કારણ કંઈ સમજાતું નથી. બાપજી, આપની આ લીલા કંઈ સમજાઈ નહીં. દયા કરીને આ લીલાનો હેતુ સમજાવો.”

     ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું, “જાવ, જોઈ આવો; મંદિરમાં મહારાજને ઓઢાડ્યું છે કે નહીં ?”

     પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંતને ઠાકોરજીને ઓઢાડ્યું છે કે કેમ ? તે જોવા મોકલ્યા. ત્યાં જોયું તો મહારાજને ઓઢાડવાનું રહી ગયું હતું.

    પછી સેવક સંત પ.પૂ.સ્વામીશ્રી પાસે પાછા આવ્યા અને કહ્યું, “દયાળુ, રાજી રહેજો. અમારી ગાફલાઈને લીધે ઠાકોરજીને ઓઢાડવાનું જ રહી ગયું હતું.”

     પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,“ઠાકોરજીને ઓઢાડ્યું નહોતું એટલે જ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ આ લીલા કરી છે. આ જ મહારાજ અને મુક્તની એકતા છે.આ એકતા દર્શાવવા બાપજીએ આવી લીલા કરી છે પરંતુ આપણે સેવામાં ખટકો રાખવો.” એમ કહી ઠાકોરજીને ગોદડી ઓઢાડવા મોકલ્યા.

     આમ, મહારાજને જેવી ગોદડી ઓઢાડી કે તરત ગુરુવર્ય પ.પૂ.બાપજીને ઠંડી લાગતી બંધ થઈ ગઈ.

     આહાહા... મહારાજ ને મોટાપુરુષની કેવી એકતા !!!