“રસ્તો પૂછી ડ્રાઇવર તથા ઢોરા ચરાવનારનું પૂરું કર્યું.”
૧/ ૯ /૨૦૧૨ ને શુક્રવારના રોજ ભાવનગર ખાતે સત્સંગ સભામાં કથાવાર્તાનો લાભ આપ્યો. ત્યારબાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લગભગ 10:30 વાગ્યે સ્વામિનારાયણ ધામ તરફ પરત પધારી રહ્યા હતા.
રસ્તામાં પ.પૂ. સ્વામીશ્રીએ ડ્રાઇવરને પૂછ્યું,
“જુઓ ને... આપણે રસ્તામાં ભૂલા તો નથી પડ્યા ને...?”
“ના... દયાળુ.”
“સવારે જતી વખતે શું આપણે આ જ રસ્તેથી નીકળ્યા હતા...?”
“હા... દયાળુ, આ એ જ રસ્તો છે.”
“સ્વામી, આ રસ્તો સાચો છે. આપણે આ જ રસ્તા પરથી જઈએ છીએ.”
“દયાળુ... આ એ જ રસ્તો છે, આપણે બરાબર છીએ.”
દર વખતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી આ રસ્તેથી જ પધારતા હોવા છતાં આજે અજાણપણે પ્રશ્ન પૂછ્યો...
“ડ્રાઇવર, આપણે એક કામ કરીએ... તમે ગાડી સાઇડમાં લઈ લો... આપણે કોઈકને પૂછી જોઈએ...”
“ભલે દયાળુ.” કહી ડ્રાઇવરે ગાડી સાઇડમાં લીધી.
એટલામાં સામેથી એક ટ્રક આવી રહી હતી તે ટ્રકને ઊભી રખાવી પ.પૂ. સ્વામીશ્રીએ ટ્રકવાળાભાઈને પૂછ્યું,
“ગાંધીનગર જવા માટેનો આ જ રસ્તો છે ને...?”
“હા... સ્વામીજી, આ રસ્તો બરાબર છે.”
થોડું અંતર કાપ્યા બાદ પ.પૂ. સ્વામીશ્રીએ ફરી ગાડી રોકવા કહ્યું. રસ્તાની પાસેના ખેતરમાં ઢોરા ચરાવતાં ભાઈને બોલાવી ફરી પૂછ્યું,
“આ રસ્તો ગાંધીનગર જ જાય છે ને...?”
“હા... સ્વામીજી, આ એ જ રસ્તો છે”
ગાડીમાં બેઠેલા કોઈને આ લીલામાં કંઈ ખ્યાલ ન આવ્યો તેથી પાછળ બેઠેલા એક સમર્પિત સેવકે પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું,
“દયાળુ, રસ્તો પૂછવાની સામાન્ય બાબતમાં આપ કેમ ઊંડા ઊતર્યા ? એ તો પૂ. સરળસ્વામી પણ પૂછી લેત, અને હમણાં જ પેલા ટ્રકવાળાભાઈને રસ્તો પૂછ્યા બાદ ફરી આ ખેડૂભાઈને કેમ પૂછ્યું તેની કંઈ ખબર ન પડી...”
“એ તો... આ બેયનો વારો આવ્યો હતો ને એટલે... એ બેયનું મહારાજને પૂરું કરવું હતું...”
સમર્પિતમુક્ત પ.પૂ. સ્વામીશ્રીનો ઉત્તર સાંભળી વિચારી રહ્યા :
“સ્વામીશ્રીની સર્વે ક્રિયા હેતુસભર જ હોય એ જાણ્યું છે તે આજે પ્રત્યક્ષ અનુભવ્યું...”