તા. 28-5-17 ને રવિવારના રોજ ભાવનગર મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી આગળના દિવસે ભાવનગર પધાર્યા.

     પ.પૂ. સ્વામીશ્રી સાથે STKના મુક્તો તથા કિશોરમુક્તો જોડે લાભ લેવા માટે પધાર્યા. પ.પૂ. સ્વામીશ્રી ભાવનગર પધારી સૌને દર્શન આપી સંતોના રસોડામાં જળ તથા લીંબુપાણી ગ્રહણ કરવા પધાર્યા.

     તે વખતે સાથે આવેલા મુક્તો રસોડાની બહાર ઊભા હતા. પ.પૂ. સ્વામીશ્રી પોતે જળ ગ્રહણ કરતા પહેલાં લોટો લઈ બહાર આવ્યા.

     મુક્તો પાસે જળ લેવાનું કોઈ પાત્ર ન હતું તે જાણી અન્યને સેવા ચીંધ્યા વગર જાતે જ ડિસ્પૉઝેબલ ગ્લાસ શોધવા લાગ્યા. અને શોધીને જળ આપ્યું.

     STKના મુક્તો અહોભાવ સાથે થોડા શરમાયા અને સંકલ્પ થયો કે, “આ દિવ્ય સ્વરૂપ અમારી આવી સેવા કરે  છે ?”

     પ.પૂ. સ્વામીશ્રીએ તેમની મનોસ્થિતિ જાણી કહ્યું, “મુક્તો, આપની સેવા અમને મળે જ ક્યાંથી ?”

     ત્યારબાદ પ.પૂ. સ્વામીશ્રી માટે જે લીંબુપાણી બનાવ્યું હતું તે પણ મુક્તોને આપતાં કહ્યું, "લો, મુક્તો મહારાજને લીંબુપાણી ધરાવો."

     "ના, દયાળુ, અમારે માત્ર જળ જોઈતું હતું. અમારે લીંબુપાણીની જરૂર નથી. વળી લીંબુપાણી આપના માટે સંતોએ બનાવ્યું છે માટે આપ ધરાવો. દયાળુ, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. માટે મહારાજ આપ જ ધરાવો... દયાળુ, અમારી પ્રાર્થના સ્વીકારો... અમારે જરૂર નથી... રાજી રહેજો..."

"મુક્તો, મહારાજની પ્રસાદી તમને આપીએ છીએ તો થોડી લઈ લો..."

આમ કહી થોડી પ્રસાદી આપવાનું કહી બધું લીંબુપાણી મુક્તોને આપી દીધું.

આ સમયે STKના મુક્તો એ દિવ્યપુરુષને જોઈ રહ્યા. એમના નેત્રોમાં પ.પૂ. સ્વામીશ્રીના વાલપ છલકાવા લાગ્યું.

એ મુક્તો કંઈ બોલે તે પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ત્યાંથી પધારી ગયા.

એટલે તેઓ અંદરો અંદર વાત કરતાં બોલ્યા, " આવી ‘મા’ આપણને મળે નહીં !"

"હા, આવું આપણું જતન કોણ કરે !"

"એમના સિવાય કોઈ ન કરે."

"એ આપણી ‘મા’ છે."