વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવ્યા પછી નીચે બેસીને કથા થઈ શકે નહિ, એટલે અત્યારે તેઓ સોફા ઉપર બેસીને કથાનો લાભ આપે છે.

     આ સોફો પણ એમને સાવ સાદો જ જોઈએ. એ સાદા સોફા ઉપર પલાંઠી વાળી સળંગ સાત-આઠ કલાક કથાનો લાભ આપે. અને વિચરણ પણ ખૂબ હોય એટલે થાકી જવાય.

     આથી ડૉક્ટરે તેમને વાઇબ્રેટરવાળી ખુરશી પર બેસવાનું કહેલું.

     એક હરિભક્તને આ વાતની જાણ થતાં મોંઘા ભાવની સારામાં સારી કીમતી ખુરશી લઈ આવ્યા. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખુરશીમાં બેસવા માટે પ્રાર્થના કરી.

     “સંતો, આ ખુરશી બહુ મોંઘીદાટ હોવાને લીધે ખૂબ રજોગુણી લાગે છે. રજોગુણી આપણને ન શોભે, અને અમને આવું ગમતું નથી.” આમ કહી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અરુચિ જણાવી.

     “બાપજી, આપને તકલીફ પડે છે. એક વાર આપ બેસી તો જુઓ.” સંતોએ પ્રાર્થના કરતાં કહ્યું.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી પૂ. સંતોની પ્રાર્થનાને વશ થઈ બેઠા ખરા. પણ તરત જ ઊભા થઈ ગયા.

     ને બોલ્યા : “સંતો, એમની સેવા સ્વીકારી. હવે ખુરશી એમને પાછી આપી દો.”

     પછી બીજી સામાન્ય એક્સરસાઇઝ મળી રહે તેવી ખુરશી લાવ્યા ત્યારે એમણે ઉપયોગ શરૂ કર્યો.