સ્વામી ! અમને તો દિવાળી, નૂતનવર્ષ, ઉત્તરાયણના દિવસોમાં બહુ આનંદ આવતો હોય છે. પરંતુ સ્વામી ! આપના માટે સૌથી મોટો આનંદનો દિવસ કયો ?

     “સાંભળો, સાચું કહું તો અમારા માટે દિવસ કે રાત છે જ નહિ; અમે તો સદાય મહારાજની મૂર્તિમાં જ છીએ.”

     “ સ્વામી, એ વાત તો આપની બરાબર જ છે પરંતુ દયાળુ અવરભાવમાં આપના માટે સૌથી મોટો આનંદનો દિવસ કયો ? તે દયા કરીને કહોને !”

     “જો તું પૂછે જ છે તો કહું. તમને બધાને દિવાળી, નવું વર્ષ આવે અને એકબીજાને મળો; ભેળા રહીને જમો; એકબીજા સાથે રહીને હરો-ફરો એનો આનંદ હોય છે. પરંતુ અમારા માટે સૌથી મોટો ગુરુપૂર્ણિમાનો દિવસ એ બહુ આનંદનો દિવસ છે.”

     “કેમ ? સ્વામી !!”

     “દિવાળી, નવું વર્ષ... આ બધા દિવસોમાં તમે બધા એકબીજાને મળો અને આનંદ કરો પરંતુ એમાં કાંઈ મળે નહિ કે કાંઈ વળે નહીં. જ્યારે ગુરુપૂર્ણિમાના દિવસે આપણા ગુરુવર્ય પ.પૂ. બાપજી ખૂબ રાજી હોય અને એમનાં દર્શને એમનો રાજીપો મળે અને આપણા દોષમાત્ર બળે.”

     “દયાળુ, ગુરુપૂર્ણિમાનું આટલું બધું ફળ !”

     “અરે, એથી મોટું ફળ મળે છે !”

     “સ્વામી, મોટું ફળ એટલે શું ?”

     “મોટું ફળ એ કે ગુરુવર્ય પ.પૂ. બાપજીના દર્શને દોષમાત્ર બળી ગયા પછી આપણું ખાતું તો નીલ (શૂન્ય) થઈ જાય. એટલું જ નહિ પણ એમની દયાથી આપણું ખાતું પ્લસ થઈ જાય.”

     “સ્વામી, દર્શન માત્રથી જ આપણું ખાતું પ્લસ થઇ જાય ?”

     “હા, આપણે એ પુરુષને શું રાજી કરી શકવાના ! એ ક્યાં ને આપણે ક્યાં ! ગધેડા પર સોનાની અંબાડી ક્યાંથી હોય ! પણ આપણે એમને રાજી કરવા સાસાગોટિલાં રૂપ રાજીપાનાં સાધનો કરીએ તેથી એ રાજી થાય છે. માટે એમને આ ગુરુપૂર્ણિમાના અવસરે એમના અવરભાવની આયુષ્ય જેટલા દંડવત, પ્રદક્ષિણા, એકટાણાં, માળા, નકોરડા ઉપવાસ આદિક સાધનો કરવાં જોઈએ. અને એમના ચરણોમાં અર્પણ કરી, એમને પ્રાર્થના કરવાથી આપણું ખાતું ડબલ... ડબલ... પ્લસ...પ્લસ...પ્લસ થઈ જાય...”

     “આહાહા... સ્વામી આ તો ગુરુવર્ય પ.પૂ. બાપજીની આપણા પર કેટલી મોટી કૃપા કહેવાય !”

     “આ કૃપા પામવા અમારા માટે અને સર્વે શિષ્યમાત્ર માટે ગુરુપૂર્ણિમા ઉત્સવ સૌથી મોટો ઉત્સવ છે. તેથી આ દિને અમે અધિકાધિક આનંદમાં હોઈએ છીએ.”