વિક્રમ સંવત 2024ના વર્ષે ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવમાં મોટા મંદિરે ઘનશ્યામ મહારાજની બાજુવાળા મેડાના આસને બિરાજતા. એ સમય હતો કે જ્યારે એ દિવ્યપુરુષ પાસે કેવળ અગવડોની ભરમાર હતી; ખીચડીમાં નાખવા હળદર પણ નહોતી; જોડ્ય માટે સાધુ નહોતા; પગમાં ધારણ કરવા જોડા પણ નહોતા; વિચરણ માટે કોઈ વાહન નહોતું; હરિભક્તોમાંય કોઈ સધ્ધર નહોતા ત્યારે પણ તેઓએ સિદ્ધાંત-પ્રવર્તન માટે ક્યારેય નિયમ-ધર્મમાં છૂટછાટ લીધી નહોતી. એ ક્ષણે ને વર્તમાનકાળે પણ વર્તન બાબતે કોઈ પોણી સોળ આની એમની સમક્ષ આંગળી ચીંધી શકે એવો નિયમ-ધર્મ અંગેનો એકેય પ્રસંગ જોયો નથી.

એ સમયે એ દિવ્યપુરુષે અવરભાવમાં ટાઇફૉઇડના મંદવાડની લીલા ગ્રહણ કરી હતી. ત્યારે તેઓના આસને આવનાર ગણ્યાગાંઠ્યા બે-ચાર હરિભક્તો હતા. આવા અસહ્ય મંદવાડમાં તેઓને એકલપંડે ચોકડીએ સ્નાન કરવા જવાનું થાય ત્યારે કોઈ સંત સાથે નહીં. એક બાજુ ચક્કર આવતાં તો બીજી બાજુ અસહ્ય ધખધખતો તાવ. કોઈ રસોઈ બનાવી આપનાર નહિ, તેથી ત્રણ-ત્રણ દિનના સળંગ ઉપવાસ થયેલા. છતાં કોઈ હરિભક્તને ના કહ્યું. પણ એવામાં એક હરિભક્તને ખબર પડવાથી તેઓ વૈદને બોલાવી લાવ્યા.

વૈદ ગુરુવર્ય પ.પૂ. બાપજીની નાડી તપાસી બોલ્યા કે, “સ્વામી, તમારે અનાજ તો નહિ જ જમાય. તમારે ફક્ત પ્રવાહી અથવા દૂધ-ફ્રૂટ લેવાશે.”

વૈદ આસનની સ્થિતિ જોઈ થોડી વાર પછી બોલ્યા કે, “પણ સ્વામી, આપને અહીં દૂધ-ફ્રૂટ કોણ લાવી આપશે ?”

ગુરુવર્ય પ.પૂ. બાપજી કશું જ બોલ્યા નહીં. કેવળ મૌન ધારણ કરી રાખ્યું. ત્યારે વૈદરાજ આખી પરિસ્થિતિને સમજી ગયા ને બોલ્યા, “લો સ્વામી, આ દસ રૂપિયા રાખો. આપને જ્યારે દૂધ-ફ્રટની જરૂર જણાય ત્યારે મંગાવી લેજો.”

આમ કહી તેઓ દસ રૂપિયા આપવા જાય છે ત્યાં તેમને અટકાવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “વૈદજી, અમારે સંતોને પૈસા કે રૂપિયાને અડાય પણ નહિ તો રખાય તો કેમ ? એમાં મહારાજે આપેલ અમારું નિર્લોભી વર્તમાન લોપાય.”

વૈદરાજે કહ્યું, “સ્વામી, આપના માટે અત્યારે આ આપત્કાળ કહેવાય ને ! એમાં તો છૂટછાટ લેવાય.”

ત્યાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “દયાળુ, શાનો આપત્કાળ ? અમને તો શ્રીજીમહારાજ રાખે તેમ રહેવાનું ને દેખાડે તે જોવાનું. બધું અમારા શ્રીજીમહારાજની મરજીથી થાય છે. પણ અમે અમારા નિયમ-ધર્મમાં જરાય છૂટછાટ નહિ લઈએ. આપ રાજી રહેજો ને જો આપે અમને સેવા આપવી હોય તો આ રીતે ન આપશો. આપ અમને દૂધ-ફ્રૂટ આપી જજો ને દર્શનનો અને સમાગમનો લાભ લઈને જજો. ”

આવા અતિ ગંભીર મંદવાડ ને અતિ દુષ્કર પરિસ્થિતિમાં પણ એ દિવ્યપુરુષની નિયમ-ધર્મની દૃઢતા જોઈ વૈદરાજ તો આભા જ બની રહ્યા.