શ્રીહરિએ વડતાલમાં સંતો-હરિભક્તોની સભામાં લાભ આપતાં પૂછ્યું કે, “આટલા બધા સંતો છે તેમાં કેટલા સંતો સદ.આત્માનંદ સ્વામીની જેમ વ્રતપાલન કરવામાં શૂરવીર છો ?”

ત્યારે સર્વે સંતોએ હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી કે, “હે મહારાજ ! આપ જેમ કહો તેમ કરવા અમે તૈયાર છીએ.”

પછી તો દરેક સંતો વારાફરતી બોલવા લાગ્યા :

“હે મહારાજ, જો આપ કહો તો અમે આંખનું મટકું પણ ન મારીએ.”

કોઈકે કહ્યું, “હે કૃપાનિધાન, આપની ઇચ્છા ન હોય તો અમો પેટમાં અન્ન નહિ નાખીએ. અરે દયાળુ, વસ્ત્ર પહેરવાની ના પાડશો તો તે ત્યજી દઈશું અને હિમમાં ઉઘાડા શરીરે રહીશું.”

બીજા સંતોએ કહ્યું,

“મહારાજ, આપની મરજી હોય તો અમે પાણી પીવાનું છોડી દઈશું, મૌન ધારણ કરીએ, એક ઠેકાણે આસન વાળીને બેસી જઈએ પણ આ દેહની કોઈ પરવાહ કરીશું નહીં.”

પછી બધા સંતો એકસાથે બોલી ઊઠ્યા : “મહારાજ આપ જે જે આજ્ઞા કરશો તે બધાં જ સાધન અમે કરીશું. કેમ ન થાય ? એવી હિંમત રાખીશું.”

સંતોએ મહારાજને રાજી કરવા માટે આકરામાં આકરા તપ અને સાધનની મહત્તા દર્શાવી. મહાપ્રભુ રાજી થયા અને કહ્યું, “તમે સર્વે એક એકથી અધિક છો, કોઈ કાચા નથી. તમે અમારા વચને દેહને કુરબાન કરી નાખવાની તૈયારી બતાવી તેનાથી રાજી ખરા પરંતુ અંતરથી રાજી નહીં.”

“તો મહારાજ આપને રાજી કરવા અમે શું કરીએ ?”

મહાપ્રભુ કરુણા કરી બોલ્યા :

“હે સંતો, સાધન એ આખરી નથી. તેનાથી મોક્ષ ન થાય. માત્ર બીજબળ થાય. માટે પોતાને દેહરૂપ ન માનતાં આત્મા રૂપે વર્તો તો અમો રાજી.”

આમ, શ્રીહરિએ સાધનભક્તિ કરતાં આત્મનિવેદન ભક્તિને ચડિયાતી ને શ્રેષ્ઠ જણાવી છે.