ઈ.સ. ૨૦૧૩. ગ્રીષ્મ ઋતુના દિવસોમાં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પોતાના આસને બિરાજ્યા હતા. ગુરુદેવે એક ધોતલી અને જરી ગયેલા માદરપાટનું ગાતડિયું ધારણ કર્યું હતું. એ સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવનાં દર્શન માટે પધાર્યા. ગુરુદેવના દિવ્ય તન પર જરી ગયેલું ગાતડિયું જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેને લઈ લેવા પ્રયત્નો કર્યા. તરત જ ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “સ્વામી, રહેવા દો. આ કપડું અમે રોજ વાપરીએ છીએ.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય વચને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપજી, આ કપડું જરી ગયું છે. જીર્ણ થઈ ગયું છે અને ફાટી પણ જવા આવ્યું છે. તો આપ આ ન વાપરો ને બીજું નવું ગાતડિયું લઈ લો ને ! એવી અરજ છે.”

“ભલે જરી ગયું હોય. અમે માત્ર આસને જ આ કપડું ઓઢીએ છીએ.”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ફરી ગુરુદેવને મનાવવા કાલાવાલા કર્યા કે, “દયાળુ, આ સારું ન લાગે. આપ અનંતના ગુરુસ્થાને છો.”

તરત ગુરુદેવ બોલ્યા, “સ્વામી, એકાંતમાં હોઈએ ત્યારે જ આ જરી ગયેલું ભગવું કપડું ઓઢીએ છીએ. ભલે ને અમે સૌના ગુરુ રહ્યા પરંતુ આ કપડાંને ફાડવું તો પડે ને ! ફાડ્યા વગર થોડું નાખી દેવાય ? સાધુને તો સાદું જ શોભે.”

આમ, સાધુતા, નિર્દંભતા અને કરકસરતા આદિ ગુણો શીખવનાર ગુરુદેવ પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં અનંત વંદના..!