ઈ.સ. ૨૦૦૭ની સાલમાં અનંતના બાયપાસને બાયપાસ કરવા માટે ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાયપાસ કરાવ્યું હતું. તે વખતે એક મહિના સુધી દેશ-પરદેશનાં તમામ વિચરણો બંધ કરી, તમામ પ્રવૃત્તિઓને તિલાંજલિ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં ખડે પગે રહ્યા હતા.

 ગુરુદેવ પ.પૂ. બાપજીને સ્નાન કરાવવું, રસોઈ બનાવી જમાડવા, સમયે સમયે જળ આપવું, ચરણસેવા કરવી, નખ કાપી આપવા જેવી નાનાથી નાની સેવા ખૂબ દિવ્યભાવે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી કરતા હતા.

“અનાદિમુક્તની સેવા, મારે તો મીઠડા મેવા.”

આ પંક્તિનાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં સાક્ષાત્ દર્શન થતાં. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને જાણ થાય કે ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું નથી તો ગમે ત્યાં વિચરણ હોય ત્યાંથી સીધી જ ગાડી વાસણા મંદિરના પ્રાંગણમાં આવે અને જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે જ રહેતા.

માંદગીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી જમાડવાની રુચિ ઓછી જણાવતા ત્યારે સંતો ખૂબ પ્રાર્થના કરતા પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજી જમાડવાની હા ન પાડતા. પરંતુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ગુરુદેવ પ.પૂ. બાપજી વશ વર્તતા. જ્યારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રાર્થના કરતા, નાના બાળકની પેઠે સાંસાગોટિલા કરતા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી રાજી થઈ જમાડવાની હા પાડતા.

 આમ, દરેક પ્રકારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે રહી, સેવા કરી રાજી કરતા.