એક સમયે શ્રીહરિ ઢોલિયા પર પોઢ્યા. સદ.મહાનુભાવાનંદ સ્વામી શ્રીહરિના ચરણ ચાંપવા લાગ્યા.

એકાએક શ્રીહરિએ બંને ચરણ ખેંચી લીધા. આ જોઈ સ્વામીએ આશ્ચર્યવત્ ગદ્ગદિત સ્વરે પૂછ્યું, “મહાપ્રભુ ! અમારો શો વાંક કે આપના ચરણની સેવાથી અમને વંચિત રાખો છો ? અમે આપ કાજે સંસાર ત્યજ્યો, માબાપ ત્યજ્યા, રાજપાટ ત્યજ્યા અને જીવોનાં માન-અપમાન સહીએ. દયાળુ, આપ રાજી થઈ આ સેવા આપો.” શ્રીહરિ મર્માળું સ્મિત રેલાવતાં બોલ્યા, “સ્વામી, એક શ્રીમંતને ઘેર ભિક્ષુક અન્ન માગવા આવ્યો. શેઠે કહ્યું, ભાઈ ! અણહકનું તને પચશે નહીં. માટે મારું ફળિયું સાફ કરી દે તો પછી કંઈક આપીશ. ભિક્ષુકે શેઠના કહ્યા મુજબ ચોક વાળી આપ્યો. પછી શેઠે કહ્યું, ભાઈ, હવે બોલ તને મજૂરીમાં શું આપું ? આ સાંભળી ભિક્ષુક બોલ્યો, શેઠ, મને એક કિલો સોનું આપો.

બે પૈસાના કામમાં સોનું માગવું એ કેટલી નવાઈ કહેવાય. તેમ સ્વામી, અમારી પ્રસન્નતા આગળ તો તમે જે ઘરબાર છોડ્યાં, માન-અપમાન સહ્યાં તે બે પૈસાની કિંમત તુલ્ય છે. તેના બદલામાં તમને સર્વોપરી એવા અમારા સ્વરૂપની સેવા ક્યાંથી મળે !”

આમ, સ્વામી મહારાજનાં અમૃત વચનો સુણી અહોભાવમાં ગરકાવ થયા ને ખૂબ પ્રાર્થના કરી. મહારાજે પ્રાર્થના સ્વીકારી ફરીથી બે ચરણ પાછા પ્રસાર્યા.