શ્રીહરિ સારંગપુરમાં સંતો-હરિભક્તો સાથે રંગોત્સવ ખેલતા હતા. પૃથ્વી પર જાણે અક્ષરધામ ખડું થયું હોય તેમ સૌ દેહભાન ભૂલી ગયા હતા.

આવાં દિવ્ય દર્શન દૂરથી કરતાં સ્ત્રી હરિભક્તોએ મહારાજને કહ્યું, “મહારાજ ! અમને પણ તમ સંગે રમવાનો લહાવો આપો. આપના સંગે અહીં તો અક્ષરધામ છે. અહીં વળી સ્ત્રી-પુરુષના ભેદ શા ?” મહારાજ આ સાંભળી રહ્યા અને ગંભીર મુખમુદ્રા થકા બોલ્યા, “અમારા સંગે અક્ષરધામ છે તે સાચું પરંતુ અમારો સંગ રહે તેટલા પૂરતી જ એ ભાવના સત્ય છે. પછી તો અંતરમાં દેહભાવને યોગે ન બનવાનું બને છે માટે વિચારીને જ મર્યાદા બાંધી છે.” થોડી વારે વળી બોલ્યા, “કદાચિત્ અમારી કૃપાએ તમો બધા છતે દેહે મુક્ત સ્થિતિને પામો તોપણ અન્ય જનોની શિક્ષાને અર્થે પણ અમે બાંધેલી મર્યાદાનું પાલન કરવું જ, એટલે તો સંપ્રદાયમાં તમને આગવું સ્થાન આપ્યું છે.”

શ્રીહરિના અણીદાર ધર્મયુક્ત વચનો સુણી સ્ત્રી ભક્તોને સમજાયું કે, ‘શ્રીહરિએ બાંધેલી મર્યાદા અમારા હિતમાં જ છે.’