શ્રીહરિએ સદ્. મુક્તાનંદ સ્વામી આદિક વીસ સંતોને જેતલપુર ભણવા મોકલ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીને જતી વખતે મહારાજે કહ્યું કે, “સ્વામી, ‘મારો મારો’ એમ બોલતા આવતા હોય એમની પાસે નારિયેળ મૂકીએ તથા તેમને ફૂલનો હાર પહેરાવીએ અને સારું લાગે એવી વાણી બોલીએ તો ઠંડા થઈ જાય.” આવી રીતે કહીને શ્રીજીમહારાજે સ્વામીને જેતલપુર મોકલ્યા.

 પછી એક દિવસ કોઈ હરિભક્ત નારિયેળ તથા ફૂલનો હાર લાવ્યા એટલે સદ્. મુક્તાનંદ સ્વામીએ બે વસ્તુ રાખી મુકાવી. એટલામાં ફરતું ફરતું વિઘ્નસંતોષીઓનું ટોળું જેતલપુર આવ્યું.

 ગામમાં આવીને સદ્. મુક્તાનંદ સ્વામીને શોધવા લાગ્યા. કોઈએ સંતોનો ઉતારો બતાવ્યો તેથી તેઓ ત્યાં આવ્યા. તેઓને માટે સદ્. મુક્તાનંદ સ્વામીએ પાથરણાં પથરાવીને બેસાડ્યા અને આગેવાનને પુષ્પનો હાર પહેરાવ્યો અને એક નારિયેળ મૂક્યું. આવી રીતે સન્માન કરવાથી મુક્તાનંદ સ્વામીને મારવા આવેલા સંતોષ પામીને સ્વામીને નમસ્કાર કરીને જતા રહ્યા.

 આમ, શ્રીહરિએ અંતર્યામીપણે પૂર્વથી જ સદ્. મુક્તાનંદ સ્વામીને સંતોની રક્ષા કાજે ઉપાય બતાવીને રક્ષા કરી.