ગઢડામાં લીંબતરુ નીચે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા.

 તે સમયે સભામાં ઉકાખાચર આવ્યા. તેઓ મૌન રાખીને સભામાં બેઠા. શ્રીજીમહારાજે તેમને બોલાવ્યા :  “ઉકાખાચર, તમે પૂજા રાખો છો?”

“હા મહારાજ!” ઉકાખાચરે કહ્યું.

“પૂજામાં કેટલી મૂર્તિઓ રાખો છો?” શ્રીજીમહારાજે પૂછ્યું.

“પાંચસે મૂર્તિઓ રાખું છું.” ઉકાખાચરે કહ્યું.

“પૂજા કરતાં બહુ વાર લાગે?” શ્રીજીમહારાજે પૂછ્યું.

“ના મહારાજ, વાર લાગે નહીં.” ઉકાખાચર બોલ્યા.

“પૂજામાં તમે પાંચસો મૂર્તિઓ રાખો છો તો તમને તેમના નામ આવડે છે?”

“હા મહારાજ.”

“બોલો ત્યારે નામ...”

“સદ્. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક આ બધી મારી પૂજાની મૂર્તિઓ છે. તેમની પૂજા કરું છું.”

શ્રીજીમહારાજ ઉકાખાચરનો નંદસંતો પ્રત્યેનો દિવ્યભાવ જોઈને ખૂબ રાજી થયા. ઉકાખાચર માંદા સંતોની સેવા કરતા, ધોતિયાં ધોવાની સેવા કરતા, દરબારગઢથી ઘેલા નદી સુધીનો રસ્તો વાળી દેતા. આવી અનેક પ્રકારની સેવાઓથી શ્રીજીમહારાજ ઉકાખાચર પર ખૂબ રાજી થતા.

આમ, ઉકાખાચરની નીચી ટેલની સેવાના આગ્રહને શ્રીજીમહારાજે ગ.મ.પ્રકરણના ૨૫મા વચનામૃતમાં વર્ણવ્યો છે.